ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇ વિધાનસભામાં આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવાના છે. કનુભાઇ દેસાઇ વિધાનસભા પહોંચ્યા છે. કનુભાઇ દેસાઇ બેગની બદલે લાલ પેથીમાં ગુજરાત બજેટ 2025 રજૂ કરવાના છે. તમને જણાવી દઇયે કે, કનુભાઇ દેસાઇ સતત ચોથી વખત ગુજરાતનું બજેટ રજૂ કરી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ દેવવ્રતના ભાષણથી શરૂ થઈ ગયું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધનમાં ગુજરાતના વિકાસના પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે છેલ્લો અઢી દાયકાને ગુજરાતનો સુવર્ણકાળ ગણાવતા તેમણે ઉમેર્યુ હતુ કે, વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે વિકસીત ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ રોડમેપ તૈયાર કર્યો છે.
બજેટ પહેલા બીજા દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં દેખાવો કર્યા હતા. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ દેખાવો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ હાથકડીઓ અને પોસ્ટર પહેરીને કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોને જે રીતે હાથકડી અને સાંકળ બાંધીને મોકલવામાં આવ્યા હતા તેને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
આ વખતે કનુભાઈ દેસાઈ પર રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પ્રથમ દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. જ્યારે બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.