અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા મહારાષ્ટ્રથી પાયલ હોસ્પિટલ CCTV કાંડમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજવલ તેલી નામના બે શખ્સના ડિવાઇસમાંથી સંખ્યાબંધ બિભત્સ વીડિયો મળી આવ્યા છે. ગુજરાતની અનેક હોસ્પિટલના CCTV હેક થયા હોવાની આશંકા છે. અનેક રાજ્યોના અલગ અલગ પ્રકારના વીડિયો આરોપીઓ પાસેથી મળી આવ્યા છે. અમદાવાદ સાઇબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં પાયલ હોસ્પિટલના CCTV હેક થયા હોવાનું સામે આવ્યું હતું અને તે બાદ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ રેકેટમાં અત્યાર સુધી 7થી 8 લોકોની પૂછપરછ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી ટેલિગ્રામ અને યુ ટ્યુબ ચેનલ હેન્ડલર્સનું નામ સામે આવ્યું છે. મહારાષ્ટ્રથી પકડાયેલા બે શખ્સોને અમદાવાદ લાવવામાં આવશે અને વધુ પૂછપરછ કરવામાં આવશે. આ કૌભાંડ ઇન્ટરનેશનલ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટની પાયલ મેટરનીટી હોમ હોસ્પિટલમાંથી મહિલા દર્દીઓની સોનોગ્રાફી, બ્રેસ્ટ ચેક, ગાયનેક સારવાર, બાળકનાં જન્મથી લઈને સિટી સ્કેન ચેકઅપ સહિતની સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે.
અમદાવાદ સાયબર બ્રાન્ચ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડતાં તપાસના તાર મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. આ કેસમાં મહારાષ્ટ્રના સાંગલી અને લાતુરથી આ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમના નામ પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજ્વલ તેલી હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે વધુ એક આરોપીની ધરપકડ ઉત્તર પ્રદેશથી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 7 લોકોની પૂછપરછ ચાલી રહી છે. ટૂંંક સમયમાં આ ત્રણેય આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે.
મેટરનીટી હોસ્પિટલોમાં પ્રસૂતાઓની સારવાર અને તપાસના વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલો ઉપર અપલોડ કરીને કમાણીનો દેશવ્યાપી ગંદો ધંધો ચાલી રહ્યો છે. આવો ચોંકાવનારો ઘટસ્ફોટ અમુક વીડિયો રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનો ખુલાસો થયા બાદ થયો છે. ફરિયાદ નોંધીને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે રાજકોટમાં ધામા નાખી હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફના નિવેદનો નોંઘ્યાં હતાં.