સુરતના સચિન GIDC વિસ્તારમાં ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ગભેણી ગામમાં રામેશ્વરમ સોસાયટીમાં અચાનક ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે ઘટનામાં એક યુવતીનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં સચિન GIDC વિસ્તારમાં ગભેણી ગામનાં રામેશ્વરમ સોસાયટીમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં 50 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ગોઝારી ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે હચમચાવી દે એવા છે. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેની ચપેટમાં આવી જતાં મહિલાનું માથું ધડથી અલગ થયું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસ અનુસાર, ભૂરી યાદવ દીકરી હંસુ યાદવ સાથે રહેતા હતા. દીકરી કંપનીમાં મજૂરી કામ કરે છે. સવારે અંદાજે 11.30 કલાકે દીકરી હંસુ યાદવ ઘરે જમવા બેઠી હતી ત્યારે માતા ભૂરી યાદવ નજીકની દુકાને ચા લેવા માટે ગયા હતા. દુકાન પાસેથી પસાર થતી વેળાએ ગેસ સિલિન્ડરમાં જબરદસ્ત બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ભૂરી યાદવનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. માતાનાં મોતથી દીકરી હંસુ યાદવ પગ નીચેથી જમીન સરકી ગઈ છે અને તે શોકમગ્ન છે. ઘટના અંગે ગેરકાયદે ગેસ રીફિલિંગ જવાબદાર હોવાની પ્રાથમિક માહિતી છે. આ ઘટના અંગેની વધુ તપાસ સચિન GIDC પોલીસે હાથ ધરી છે.