દિલ્હી વિધાનસભા 2025 નું પરિણામ 8 ફેબ્રુઆરીએ આવ્યું, જેમાં આમ આદમી પાર્ટીનો શરમજનક રીતે પરાજય થયો હતો. આપને આ ચૂંટણીમાં માત્ર 22 સીટો જ મળી હતી. જ્યારે ભાજપને 48 સીટો સાથે બહુમતી મેળવવામાં સફળતા મળી હતી.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર બાદ આતિશીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. અગાઉ સપ્ટેમ્બર 2024 માં, આમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલે જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પાર્ટીએ આતિશીને નવા મુખ્યમંત્રી બનાવ્યા હતા. ચૂંટણીમાં હાર બાદ, આતિશીએ રવિવારે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યું.
સુત્રો અનુસાર એલજી સકસેનાએ આતિશીને જણાવ્યું કે, તેમણે આપ સંયોજક અરવિંદ કેજરીવાલને પણ યમુનાનો શ્પાત અંગે ચેતવણી આપી હતી કારણ કે તેમણે સુપ્રીમ કોર્ટથી નદીને સાફ કરવાની એક યોજનાને અટકાવી દીધી હતી. જો કે તે અંગે આતિશીએ એલજી સામે કોઇ પ્રતિક્રિયા આપી નહોતી.
ટીઓઆઇના અનુસાર આ વિવાદ બે વર્ષ જુનો છે. જાન્યુઆરી 2023 માં યમુનાનું પ્રદૂષણ ઘટાડવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે એલજીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી હતી. જેમ કે કમિટીએ પોતાનું કામ શરૂ કર્યું તો કેજરીવાલે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું અને સહાયતા માટેની રજુઆત કરી. જો કે દિલ્હી સરકારે ત્યાર બાદ એનજીટીના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારી, જેમાં વરિષ્ઠ વકીલ એ.એમ સિંધવીએ તર્ક આપ્યો કે એક ડોમેન નિષ્ણાંતને પેનલનું નેતૃત્વક કરવું જોઇએ. આ રોક હવે બે વર્ષથી વધારે સમયથી યથાવત્ત છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેજરીવાલ સાથે એક મીટિંગમાં વીકે સકસેનાએ આપ સંયોજકને કહ્યું હતું કે, તેમને યમુનાનો અભિશાપનો સામનો કરવો પડશે.
જોકે, નવી સરકારની રચના થાય ત્યાં સુધી તેઓ કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. સૌથી મોટી વાત એ છે કે આ ચૂંટણીમાં, આતિશી AAPના એવા થોડા મોટા નેતાઓમાં સામેલ છે જેઓ ભાજપના તોફાનમાં પોતાની બેઠકો બચાવવામાં સફળ રહ્યા છે.
શનિવારે ચૂંટણી પરિણામો આવતાની સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટી પર લોકોના વિશ્વાસનું સન્માન ન કરવા બદલ આકરા પ્રહારો કર્યા. યમુનાને સ્વચ્છ અને સુંદર બનાવવાની પ્રતિજ્ઞા લેતા, પીએમ મોદીએ કહ્યું કે આ લોકોએ દિલ્હીના લોકોની શ્રદ્ધાને પગ નીચે કચડી નાખી અને પછી ખુલ્લેઆમ હરિયાણા પર આરોપ લગાવ્યો. તેમણે વારંવાર ‘યમુના મૈયા કી જય’ કહીને પોતાનું ભાષણ સમાપ્ત કર્યું.