Thursday, Oct 23, 2025

સુરતના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર કુલદીપ શર્માને કચ્છમાં કોંગ્રસના અગ્રણીને 41 વર્ષ પૂર્વે માર મારવાના કેસમાં કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા ફટકારી

2 Min Read

કચ્છ કોંગ્રેસના અગ્રણી મરહુમ મંધરા અબ્દુલ્લા હાજી ઈબ્રાહિમને આજથી 41 વર્ષ પૂર્વે જિલ્લા પોલીસવડાની કચેરીમા મુલાકાત વેળાએ તત્કાલીન પોલીસવડા કુલદીપ શર્માએ અપમાનિત કરી અપશબ્દ બોલી અને સાથી અધિકારીને બોલાવી માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસની સુનાવણી આખરે ગઈકાલે (9 ફેબ્રુઆરી) અંતિમ તબક્કે પહોંચી હતી. આ કેસનો આજે (10 ફેબ્રુઆરીએ) ભુજ સેશન્સ કોર્ટમાં ચુકાદો આવ્યો છે. જેમાં કુલદીપ શર્મા અને સાથી કર્મચારી ગિરીશ વસાવડા દોષી જાહેર થયા છે. બંને ગુનેગારોએ કોર્ટે ત્રણ માસની કેદ અને દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છઠ્ઠી મે, 1984ના રોજ નલિયાના એક કેસમાં કોંગ્રેસના નેતા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમ તત્કાલીન આઈપીએસ અધિકારી કુલદીપ શર્માને મળવા ગયા હતા. આ દરમિયાન તેઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કુલદીપ શર્મા ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે હાજી ઈબ્રાહિમને અપમાનિત કરીને માર માર્યો હતો. આ ઘટનામાં કુલદીપ શર્માના સાથી અધિકારી ગિરીશ વસાવડા સહિત અન્ય લોકો પણ સામેલ હતા. સરકારી કચેરીમાં રજૂઆત કરવા ગયેલા લોકોને અપમાનિત કરીને માર મારવાના કૃત્યને કોર્ટે ગંભીર અને અયોગ્ય ગણાવ્યું હતું. આ કેસના ફરિયાદી ઈકબાલ મધરાએ આ ચુકાદાને આવકાર્યો હતો, જે અબ્દુલ હાજી ઈબ્રાહિમના પુત્ર છે.

આ કેસની વિગત એવી છે કે, અબડાસાના રહેવાસી અબ્દુલ હાજી ઇબ્રાહિમ નલિયામાં નોંધાયેલા એક અંગે એસપી કચેરીમાં મળવા ગયા હતા. આ દરમિયાન તેમની સાથે પૂર્વ ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી સહિતના આગેવાનો પણ હતા. એ વખતે તત્કાલીન સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કુલદીપ શર્માએ એ તમામનું અપમાન કર્યું હતું. બાદમાં કચેરીના અન્ય પોલીસ અધિકારીઓને બોલાવીને ઝોર માર મરાયો હતો. આ મારામારીમાં અબ્દુલ હાજી ઈબ્રાહિમને ઈજા પહોંચી હતી. આ ઘટના પછી તેમની સાથે આવેલા શંકર ગોવિંદજી જોષી નામના અગ્રણીએ ભુજની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં એસ.પી. કુલદીપ શર્મા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

Share This Article