Sunday, Sep 14, 2025

અમદાવાદ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી, સર્ચ ઓપરેશન ચાલુ

2 Min Read

અમદાવાદ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી છે. આ દરમિયાન જેદાહથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં અમદાવાદ એરપોર્ટને જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ સવારે 9.30 વાગ્યે પહોંચી હતી. અમદાવાદ એરપોર્ટ પોલીસ અને CISF તથા ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ એરપોર્ટ પર પહોંચ્યા છે.

ઈન્ડિગોની ફ્લાઈટમાંથી હસ્તલિખિત ચિઠ્ઠી મળી આવી અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિગો ફ્લાઈટમાંથી મુસાફરો જ્યારે બહાર નીકળ્યા ત્યારબાદ ક્લીનર દ્વારા ફ્લાઇટ ક્લીન કરવામાં આવી રહી હતી. તે દરમિયાન હાથથી લખેલી ચિઠી મળી આવી હતી.જેમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ભરેલી ચિઠી અંગે એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી છે. પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આ ચિઠ્ઠી એફએસએલમાં પણ મોકલવામાં આવશે તથા જે પણ મુસાફર ફ્લાઈટમાં હતા તેના પણ લખાણના સેમ્પલ લેવામાં આવશે. મુસાફરમાંથી કોઈ મુસાફરે ચિઠ્ઠી લખેલું સાબિત થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ એરપોર્ટમાં સીઆઇએસએફ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ઝોન 4 ડીસીપી કાનન દેસાઇએ જણાવ્યું હતું કે બોમ્બની ધમકી મળતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે. ધમકી આપનાર વ્યક્તિ અંગે તપાસ કરવામાં આવી રહી છે. હાલ એરપોર્ટ પોલીસ પણ એરપોર્ટ પર હાજર છે.

ત્રણ મહિના પહેલાં પણ ઈન્ડિગોની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. વડોદરા એરપોર્ટ સહિત વિવિધ 40 એરપોર્ટ પર ફ્લાઈટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી મળી હતી. જે તે સમયે વડોદરા પોલીસ સહિતની એજન્સીઓએ તપાસ કરતા કંઈ મળ્યું ન હતું.

Share This Article