સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં ભણતી 14 વર્ષીય વિદ્યાર્થિનીના આપઘાત બાદ આજે (25 જાન્યુઆરી) અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીના પરિવારના આક્ષેપ મુજબ, સ્કૂલ સંચાલકો દ્વારા ફી ભરવાના દબાણને કારણે વિદ્યાર્થીની આઘાતજનક પગલું ભરવા મજબૂર થઈ હતી.
ધોરણ 8ની વિદ્યાર્થિની આપઘાત મામલે AVBP દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્કૂલ ફી માટે દબાણ કરવાથી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 14 વર્ષીય કિશોરીને પરીક્ષાના દિવસે પણ દોઢ કલાક કોમ્પ્યુટર લેબમાં બેસાડી મૂકી હતી. જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. હાલ શાળા બહાર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાલ શાળા બહાર પહોંચી ગયા છે.
માહિતી અનુસાર, આદર્શ શાળાનાં ટ્રસ્ટીએ કહ્યું હતું કે, વિદ્યાર્થિનીને કોઈ તકલીફ થઈ હતી એટલે બેસાડી હતી. વિદ્યાર્થિનીને પેટમાં દુ:ખાવો થતાં તેણીને બેસાડી રાખવામાં આવી હતી. ફી મુદ્દે વાલી સાથે વાત કરી હતી, વિદ્યાર્થિનીને હેરાન નહોતી કરી. જ્યારે શાળાનાં આચાર્યે કહ્યું કે, ફી બાકી હતી એટલે નીચે ઓફિસમાં બોલાવી હતી. ત્યારબાદ ફી મુદ્દે વિદ્યાર્થિનીનાં વાલી સાથે વાત કરી હતી. જો કે, આ મામલે તટસ્થ તપાસ થાય તો મસમોટા અને ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ 21 જાન્યુઆરીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ફી નહીં ભરવાના કારણે વિદ્યાર્થિનીને બે દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. વિદ્યાર્થિની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી, ફી માટે દબાણ કરતા રહ્યા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. જોકે વિદ્યાર્થિનીના આપઘાતનું સાચું કારણ જાણવા માટે ગોડાદરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો :-