ગૌતમ અદાણી માટે ખુશખબર છે. અદાણી ગ્રૂપના કરોડો ડોલર ડુબાવનાર અમેરિકાની શોર્ટ સેલિંગ કંપની હિન્ડેનબર્ગ રિસર્ચ બંધ થવા જઈ રહી છે. બુધવારે તેના ફાઉન્ડર નાથન એન્ડરસને આ વાતની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે કંપની બંધ કરવાનો નિર્ણય ઘણી વાટાઘાટો અને વિચાર કર્યા પછી લેવામાં આવ્યો છે. જો કે એન્ડરસને કંપની બંધ થવાનું કોઇ ચોક્કસ કારણ આપ્યું નથી. હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટને કારણે ભારતના અદાણી ગ્રૂપ અને ઇચાન એન્ટરપ્રાઇઝ સહિત અનેક કંપનીઓને અબજો ડોલરનું નુકસાન થયું હતું.
હિંડનબર્ગ રિસર્ચના સંસ્થાપક નાથન એન્ડરસને કહ્યું, મેં ગત વર્ષેના અંતે જ મારો વિચાર પરિવારજનો અને મિત્રો સમક્ષ રજૂ કર્યો હતો. મેં હિંડનબર્ગ રિસર્ચ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમે જે વિચારો પર કામ કરતા હતા તેને પૂરા કર્યા બાદ બંધ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું, એવી કોઈ ખાસ વાત નથી, કોઈ ખતરોનો નથી, સ્વાસ્થ્યની કોઈ સમસ્યા નથી અને કોઈ વ્યક્તિગત મુદ્દો પણ નથી. કોઈએ મને એક વખત કહ્યું હતું કે, નિશ્ચિત સમયે એક સફળ કરીઅર એક સ્વાર્થી કામ બની જાય છે.
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પર અદાણી જૂથે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે, અમે હિંડનબર્ગ રિસર્ચમાં છપાયેલ રિપોર્ટથી ચોંકી ગયા છીએ. કેમ કે તેમણે અમારી સાથે સંપર્ક કર્યા વિના સાચા તથ્યોને વેરિફાઈ કર્યા વિના આ રિપોર્ટ પબ્લિશ કર્યો છે. અદાણી જૂથે કહ્યું કે, આ રિપોર્ટ સિલેક્ટેડ ખોટી માહિતી અને વાસી, નિરાધાર અને બદનામ કરનારા આરોપોનો એક દુર્ભાવનાપૂર્ણ મિશ્રણ છે. જેણે ભારતની વડી અદાલતોમાં પારખવામાં આવ્યું છે અને તેને કોર્ટ દ્વારા રદ કરાઈ ચુક્યું છે. અદાણી જૂથે રિપોર્ટના ટાઈમિંગ પર પણ સવાલો ઊભા કર્યા હતા.
જાન્યુઆરી 2023માં હિન્ડેનબર્ગ રિસર્ચ અદાણી ગ્રુપની કંપનીઓ પર શેરના ભાવમાં છેડછાડ કરવાનો આરોપ લગાવતા હેડલાઇન્સમાં આવી હતી. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત કડાકો બોલાયો અને અદાણી ગ્રૂપની માર્કેટ વેલ્યૂએશનમાં 140 અબજ ડોલરનું ધોવાણ થયું હતું. આ મુદ્દે સંસદમાં ભારે હોબાળો થયો હતો અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે અરજી પણ કરવામાં આવી હતી. કોર્ટે એક સમિતિની રચના કરી હતી અને માર્કેટ રેગ્યુલેટર સેબીને ત્રણ મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવા આદેશ કર્યો હતો.