Thursday, Oct 23, 2025

અમરેલીના કાંડમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલનું મૌનઃ મહાભારતના ભીષ્મપિતામહે પણ આવું જ કર્યું હતુ

8 Min Read

સમગ્ર કાંડથી સી.આર. પા‌િટલ અંધારામા હશે એવું માનવાને કોઈ જ કારણ નથી, વળી મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રદાદાએ પણ ઘટનાને વણસવા દીધી, મતલબ ભાજપનું મોવડી મંડળ ઈચ્છતું હશે કે ભલે ભડકો થાય!

સાંસદ પુરૂષોત્તમ રૂપાલાનું તો અમરેલી માદરેવતન હોવા છતાં આબરૂ લીલામ કરતાં એકને પણ કેમ રોક્યો નહીં? કદાચ રૂપાલાને પણ કડવા અનુભવો થયા હશે

એકમાત્ર દિલીપ સંઘાણી ગજગ્રાહને ઠંડો પાડવા મેદાનમાં ઊતર્યા હતા અને વાત થાળે પાડવા ઉપરાંત યુવતી પાયલને જેલમુક્ત કરાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી

જેલમુક્ત થયેલી પાયલ ગોટીએ ધારાસભ્ય કૌશિક વેકરિયાને લખેલા પત્રમાં વ્યક્ત કરેલી વેદના સરકાર અને ખુદ ભાજપના લોકોએ આત્મમંથન કરવા જેવુ

અમરેલીના ભાજપના બે જૂથના ગજગ્રાહમાં પોલીસ અત્યાચારનો ભોગ બનેલી અને જેલમાંથી બહાર આવેલી પાયલ ગોટી(પટેલ)એ વ્યક્ત કરેલી વેદના ખરેખર આઘાતજનક હતી. પોલીસે કાયદો તો ઠીક, માનવતાને પણ નેવે મૂકીને એક કુંવારી યુવતીની મધરાત્રે ધરપકડ કરીને અત્યાચાર ગુજારવાની શરૂઆત કરી હતી. પેલા પાંડવ-કૌરવનાં મહાભારતના યુદ્ધ પૂર્વે જુગારમાં પાંડવો ભાન ભૂલીને ‘દ્રૌપદી’ને હારી જતા, કૌરવો દુશાસન ભરી સભામાં દ્રૌપદીના વાળ પકડીને ખેંચી લાવ્યો હતો અને દ્રૌપદીનું ભરી સભામાં ચીરહરણ કર્યું હતું. આવી ઘટના અમરેલીના ભાજપના જ પોતીકા બે જૂથના ગજગ્રાહમાં બનવા પામી હતી. ભરી સભામાં દ્રોપદીનું ચીરહરણ કરવામાં આવ્યું ત્યારે ધર્મરાજા એટલે કે યુધિ‌િષ્‍ઠ‌ર અને પાંડવ-કૌરવ કુળના ગુરૂ ભીષ્મપિતામહ પણ મૌન રહીને પાપના ભાગીદાર બન્યા હતા. આવું જ ગુજરાત ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર. પા‌ટિલે કર્યું હતું. સી.આર. પા‌ટિલ ભલે કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી બન્યા છે, પરંતુ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી મુક્ત થયા નથી. વળી અમરેલીનો પત્રકાંડ માત્ર આક્ષેપબાજી કરવા પૂરતો સીમિત રહ્યો હોત તો વાંધો નહોતો. ભાજપમાં આવા કાંડની નવાઈ નથી. પરંતુ જ્યારે કોઈ મા, બેન, દીકરીની આબરૂ ઉપર હાથ નાંખવામાં આવે ત્યારે પક્ષના સર્વોચ્ચ વડા તરીકે સી.આર. પા‌ટિલે લાલ આંખ કરવાની જરૂર હતી અને એક કુંવારી યુવતીને મધરાત્રે ઘરમાંથી ઉઠાવવામાં આવી એ જ સમયે સી.આર. પા‌ટિલે પણ ઊંઘમાંથી બેઠા થઈને સમગ્ર તંત્રને ‘ખબરદાર’ કરીને કાંડ રોકવાની જરૂર હતી, પરંતુ સી.આર. પા‌ટિલ પોતીકા પરિવારના લોકોને રોકવાને બદલે ભીષ્મ પિતામહની માફક મૌન બેસી રહ્યા હતા અને ગુજરાતની જ એક યુવતી ઉપર ગુજારવામાં આવેલા અત્યાચારના પાપના ભાગીદાર બન્યા હતા.

સી.આર. પા‌ટિલનો ‌િમજાજ જોતા તેઓ આવી કોઈ ઘટનાનો સ્વીકાર કરી શકે તેવો તેમનો સ્વભાવ નથી. ‘તડ અને ફડ’માં માનનારા સી.આર. પા‌ટિલ તત્કાળ પરિણામ માટે જાણીતા છે. પક્ષમાં કે સરકારમાં ‘નાફરમાની’ની એક પણ ઘટના તેઓ સ્વીકારી શકે તેવા નથી, તેમ છતાં અમરેલીની યુવતીની મધરાત્રે અટકાયત અને પોલીસ કસ્ટડીમાં યાતના આપવાના આખા કાંડમાં સી.આર. પા‌ટિલ એકપણ શબ્દ બોલ્યા નહોતા કે ‘રૂકજાવ’નો આદેશ પણ આપ્યો નહોતો! સી.આર. પા‌ટિલે દાખવેલા વલણથી સમગ્ર ગુજરાત ભાજપે આશ્ચર્ય અનુભવ્યું હતું.

બની શકે કે સી.આર. પા‌ટિલને હવે ગુજરાતને બદલે રાષ્ટ્રીય રાજનીતિમાં વધારે રસ હોય અને હોવો પણ જોઈએ. પરંતુ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખપદેથી વિદાય બાદ પક્ષમાં કે સરકારમાં દરમિયાનગીરી નહીં કરે એ માની શકાય. પરંતુ હજુ તેઓ ગુજરાત ભાજપના પ્રમુખ પદે ચાલુ છે. મતલબ તેમના જ કાર્યકાળમાં શરમજનક ઘટના બનવા પામી અને આ કલંકિત ઘટનાનો ડાઘ પણ સી.આર. પા‌ટિલની કારકિર્દીમાં લખાયેલો રહેશે.

ભાજપ હોય કે કોંગ્રેસ, સૌરાષ્ટ્રના રાજકારણનો હંમેશા જુદો જ મીજાજ રહ્યો છે. માનવામાં નહીં આવે, પરંતુ રાજકીય વેરની આગમાં સૌરાષ્ટ્રમાં ધિંગાણા અને હત્યા કરવા જેવી ઘટનાઓ બનવા પામી છે. વિધાનસભાની ચૂંટણીઓ વખતે પણ અમરેલી જિલ્લામાં જૂથબંધી ચરમસીમાએ હતી ત્યારે સી.આર. પા‌ટિલે જ મામલો સંભાળી લીધો હતો. વળી લોકસભાની ચૂંટણી વખતે ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોના જંગને આખી દુનિયાએ જોયો હતો. રૂપાલા ભલે ચૂંટણી જીતી ગયા, પરંતુ અસંતોષની આગ હજુ સાવ ઓલવાઈ નથી. હજુ પણ ક્યાંક ને ક્યાંક ધુમાડા નીકળતા જોવા મળે છે.

પરંતુ નવાઈની વાત એ પણ છે કે, અમરેલીના જૂથવાદની લડાઈમાં પુરૂષોત્તમ રૂપાલાનું મૌન પણ સૂચક હતું. રૂપાલાએ સમગ્ર પ્રકરણને રોકવાના કે ઠંડું પાડવાના પ્રયાસ કર્યા હોવાનું જાણવા મળ્યું નથી. એક માત્ર દિલીપ સંઘાણીએ મામલો થાળે પાડવા આગેવાની લીધી હતી અને જેલમાં કેદ કરાયેલી યુવતી પાયલ ગોટી(પટેલ)ને જામીનમુક્ત કરાવવા નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

આનાથી પણ આગળ વધીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ મૃદુ અને મક્કમ અવાજ ક્યાંય સાંભ‍ળવા મળ્યો નહોતો કે તેમણે ચાવીરૂપ ભૂમિકા અદા કરી હોવાનું જાણમાં નથી. પરિણામે અમરેલી ભાજપની વકરેલી જૂથબંધીએ છાપરે ચઢીને બું‌િગયો વગાડવા જેવો ઘાટ કર્યો હતો અને પોલીસનો હથિયાર તરીકે ઉપયોગ કરાયો હતો. સમગ્ર કાંડમાં પોલીસ અંધારામાં હશે એવું માનવાને કોઈ જ કારણ નથી. કદાચ રાજકીય આગેવાનો કાયદાથી અજાણ હશે, પરંતુ પોલીસને એ વાતની ખબર હશે જ કે તેઓ શું કરી રહ્યાં છે અને એટલે જ કોર્ટના કઠેરામાં પોલીસને જવાબ આપવાનું ભારે પડી ગયું હતું. કારણ કે, પોલીસે કાયદાની મર્યાદા તોડીને રાજકીય ઈશારે ગુનો દાખલ કરી રાજકીય નેતાઓની મરજી મુજબ તપાસ કરી હતી અન્યથા એક કુંવારી યુવતીને મધરાત્રે ઘરમાંથી ઉઠાવી લાવવાનું કૃત્ય જવાબદાર પોલીસ અધિકારી હરગીજ કરે નહીં.

ખેર, જેલમાંથી જામીનમુક્ત થયેલી યુવતી પાયલ ગોટીએ ભાજપનાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને લખેલા પત્રમાં વ્યક્ત કરેલી વેદના અને પોલીસે ગુજારેલા સિતમ અંગે કરેલી રજૂઆતો રૂંવાડા ઊભા કરી દેનારી છે. પાયલે પત્રમાં લખ્યું છે કે, ‘મને પાટ ઉપર સુવડાવીને પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો!’

એક કુંવારી દીકરીની લજ્જા, મર્યાદા અને સ્વાભિમાનના પોલીસે કરેલા વસ્ત્રાહરણથી હું ખૂબ દુઃખી છું. ભારતનો ઈતિહાસ સાક્ષી છે કે, જ્યારે જ્યારે ‘અબળા’ની આબરૂ દાવ ઉપર મુકાઈ છે ત્યારે ભગવાન કૃષ્ણએ ચીર પૂર્યા છે અને જ્યારે-જ્યારે રાજના દરબારીઓ અત્યાચાર અને અન્યાય સામે ચૂપ રહ્યા છે ત્યારે મહાભારતના મંડાણ થયા છે.

ખેર, પાયલ ગોટીએ લખેલા પત્રમાં ઘણી વેદનાઓ ટપકી રહી છે. કારણ કે, તે યાતના અને અત્યાચારનો ભોગ બની છે. જો સમાજ તેની પડખે ઊભો થયો ન હોત તો કદાચ પાયલ આજે પણ જેલમાં હોત અને તેની માનસિક, શારીરિક યાતનાઓ જેલ અને પોલીસ કસ્ટડીની દીવાલો સાથે પડઘાઈને શાંત થઈ ગઈ હોત.

થોડા દિવસ પૂર્વે ભરૂચ જિલ્લામાં માત્ર ૧૦ વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારવા ઉપરાંત ગુપ્‍ત ભાગમાં લોખંડના સળિયા મારવાની શરમજનક ઘટના આજ ગાંધી-સરદારના ગુજરાતમાં બનવા પામી હતી. માત્ર ૧૦ વર્ષની દીકરી તડપી તડપીને હોસ્પિટલની પથારીમાં મોતને ભેટી અને છતાં ગુજરાતના વિપક્ષને છોડો, શાસક પક્ષના એક પણ નેતાએ હરફ સુધ્ધાં ઉચાર્યો નહોતો. દેશના ઉત્તર-પૂર્વના રાજ્યો અને મ‌િણપુરમાં સ્ત્રીઓ ઉપર અત્યાચાર અને જાહેરમાં નગ્ન હાલતમાં ફેરવવાની અત્યંત નીચ કહી શકાય એવી હરકતો કરવામાં આવે છે, પરંતુ શાંત અને વેપારીઓના ગણાતા ગુજરાતમાં પણ ક્રમશઃ સત્તાલાલસા કહો કે સંવેદનાનો અભાવ કહો, ગુજરાત પણ સંવેદના ધીમે-ધીમે ગુમાવી રહ્યું છે. બાકી આરોપીઓના વરઘોડા કાઢવાથી ગુજરાતની ગરિમામાં વધારો નહીં થાય.

ગુજરાતની શાંતિ અને સલામતિ જાળવી રાખવા શાસકોએ પક્ષના ગજગ્રાહમાંથી બહાર આવીને તંત્ર ઉપર લગામ કસવી પડશે અન્યથા ગુજરાતને ગુનાખોરીમાં ધકેલાઈ જતા વાર નહીં લાગે.

Share This Article