- ચારે તરફથી ઘેરાઇ ગયેલા લોકો હવે કંઇક આશા સાથે મંદિરો તરફ દોડી રહ્યા છે. કાશ, ઇશ્વરની કૃપાથી રાહત મળે
- સુરતમાં તાજેતરમાં યોજવામાં આવેલા ધાર્મિક કાર્યક્રમોમાં અપેક્ષા કરતા વધુ ‘માનવમેળા’ ઉભરાયા હતા, ક્ષેત્રપાળ મંદિર અને સણિયાના વિહતધામની સાલગીરીમાં ઊમટી પડેલી મેદનીના ચહેરા ઉપર સતત વિવશતા તરી આવતી હતી. મોટાભાગના લોકો માટે આર્થિક સમસ્યા મુખ્ય મુદ્દાે હતો
- વેપાર, ઉદ્યોગમાં મંદી-તેજી આવવી એક પ્રક્રિયા છે, પરંતુ મુશ્કેલીના દિવસોમાં જનજીવન ધબકતું રાખવાની સરકારની ફરજ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની સંવેદના પ્રગટ થતી નથી
- વડાપ્રધાન મોદીએ ગરીબી, મજબૂરી, વિવશતા બધું જ નજીકથી જોયું છે. મજબૂર માતાને બળબળતા તાપમાં ખેતરમાં કામ કરતી જોઇ છે. પરિવાર માટે લોકોના વાસણ, પાણી, વાંસીદા કરતી જોઇ છે અને છતાં અનુકંપા કેમ પોકારી ઊઠતી નથી
એક વાત ચોક્કસ છે કે વર્તમાન શાસનવ્યવસ્થાથી લોકોને સંતોષ નથી. ગરીબ, મધ્યમવર્ગી પરિવારોને મોટરકાર, બંગલાના અભરખા નથી. સમાજનો આ એક એવો મોટો વર્ગ છે, જેને શાંતિથી જીવવું છે. રહેવા માટે ઘર અને કામકાજ માટે સારી રોજગારી અથવા નોકરીની જરૂર છે. પરંતુ મોટાભાગના પરિવારો આર્થિક રીતે દુઃખી-દુઃખી છે. સંતાનોને ભણાવવા છે, પરંતુ પૂરતી આવક નથી, સારૂ કહી શકાય એવું ઘર લેવું છે, પરંતુ કમાણી નથી. મતલબ છાશવારે નવી રોજગારી, નવા રોકાણો અને નવી નોકરીઓના દાવા કરતી સરકાર દેશના મોટાભાગના લોકોને ભ્રમણામાં જિવાડી રહી છે. જાણે આવતીકાલે નોકરી અને રોજગારનો વરસાદ કરવામાં આવશે. સરકારની મોટાભાગની જાહેરાતો પોકળ અને લલચામણી પુરવાર થતી આવી છે. પરિણામે, ગરીબ વધુ ગરીબ અને મધ્યમવર્ગી પરિવાર ફરી ગરીબાઇમાં ધકેલાઇ રહ્યો છે.
વેપાર-ધંધા મરી પરવારે એટલે સ્વભાવિક ગુનાખોરી વધવાની જ, કારણ, ભૂખ્યા બેઠેલા પરિવારના પેટનો ખાડો પૂરવા માણસ હેવાન બન્યો હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ બનવા પામી હતી અને હજુ પણ બનતી રહે છે. ઘણા કિસ્સામાં પરિવારનો મોભી અથવા તો આખા પરિવારે સામૂહિક આપઘાત કર્યા હોવાની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ અનેક લોકોના કમોત, વકરતી જતી ગુનાખોરી સામે શાસનવ્યવસ્થા જાણે રીઢી બની ગઇ છે. ઘટનાઓ બને છે. ગુના નોંધાય છે અને લોકો બેમોત મરે છે. પરંતુ સામાજિક, આર્થિક કે રોજગારીની સમસ્યાઓ ઉકેલવામાં શાસનવ્યવસ્થા ધરાર નિષ્ફળ નિવડી છે જાણે માણસના મોતની ઘટના એક જંતુના મોતથી વિશેષ નથી.
વેપાર, ઉદ્યોગમાં મંદી આવવી એ કોઇ નવાઇની વાત નથી કે પ્રથમ વખતની ઘટના નથી પરંતુ આવા વરવા સમયે લોકોને સરકારી ખજાનામાંથી રાહત આપવી કે વેપાર-ઉદ્યોગને ધમધમતા રાખવા છુટછાટ આપવી-આમાનું કંઇ જ કરવામાં આવતું નથી. રાહત આપવાનું બાજુએ રહ્યું, બલ્કે ટેક્સના માળખામાં વધારો કરીને વધારાની લાત મારવામાં આવી છે. લોકો રોજ સવારે એક નવી આશા સાથે ઊઠે છે અને સાંજે એક લાંબા નિસાસા સાથે ઊંઘી જાય છે. હવે લગભગ કાયમી બીમારી જેવી બની ગયેલી બેરોજગારી અને બેકારીની સમસ્યાથી લોકો વાજ આવી ગયા છે. શાસનવ્યવસ્થા કંઇક નવું કરશે એવી આશાઓ હવે સાવ મૃત બની ચૂકી
છે. સમાજનો ખૂબ મોટો વર્ગ દિશા િવહીન બની ગયો છે. યુવા પેઢીને હવે ભારતમા રહેવાનું ‘ઝેર’ જેવું લાગી રહ્યું છે. તો કેટલાક યુવાઓ ‘ઝેર’ પીને જીવનલીલા સંકેલી રહ્યા છે.
આ બધાની વચ્ચે ‘‘હાર્યાે જુગારી બમણું રમે’’ એ કહેવત અનુસાર હવે લોકોના દિલ અને દિમાગમાં કોમવાદનું ઝેર રેડવામાં આવી રહ્યું છે. અને ‘હિંદુવાદ’ ના નામે ચાલી રહેલી, ખતરનાક રાજકીય પ્રવૃિત્ત આવનાર સમયમાં ભાવિ પેઢી માટે ઘાતક પુરવાર થશે. પરંતુ આ વાત કોણ સમજાવે? સત્તાનો નશો ટકાવી રાખવા થોડા લોકો મરવાના હોય તો ભલે મરે- આ ગણિત એક દિવસ દેશને ભયાનક ‘કોમવાદ’ની આગમાં હોમી દેશે અને અાવા જ ભયના કારણે ખમતીધર લોકો અન્ય દેશ તરફ દોડી રહ્યા છે અને જેની પાસે વિકલ્પ જ નથી એવા લોકોએ વર્તમાન શાસન પ્રણાલિને સ્વીકારી લેવા સિવાય છુટકો નથી.
અને આવા જ કારણોસર લોકોની ઇશ્વર તરફની શ્રદ્ધામાં વધારો થઇ રહ્યો છે ક્રમશઃ ખૂબ મોટો વર્ગ મંદિરો તરફ વળી રહ્યો છે. આમ પણ માણસ થાકી જાય ત્યારે સ્વાભાવિક ઇશ્વરના શરણે જ જવાનો. પાછલા કેટલાક દિવસો દરમિયાન સુરતમાં અને રાજ્યમાં બનેલી અને બનતી રહેલી ધાર્મિક ઘટનાઓ તરફ નજર કરવામાં આવે તો સુરતમાં એક-બે નહીં, ત્રણ ત્રણ સ્થળોએ મોટા પાયા ઉપર ધાર્મિક કથાઓ ઉપરાંત મંદિર નિર્માણ, ખાતમુર્હૂત સહિતના કરાયેલા આયોજનોમાં ખૂબ મોટાપાયે લોકો એક આશા સાથે ઊમટી પડ્યા હતા. આ સાથે મંદિરોમાં પણ ક્રમશઃ શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે આ બધી ઘટનાઓ સુચવે છે કે લોકો સંપૂર્ણ સુખી નથી. નજીકના જ દિવસોમાં સુરતના સુપ્રસિદ્ધ ક્ષેત્રપાળ હનુમાનજી મંદિરની સાલગીરાની અને સણિયા હેમાદ સ્થિત વિહત માતાના મંદિરની ઉજવાયેલી સાલગીરામાં એક આશા સાથે શ્રદ્ધાળુઓનું કીિડયારું ઉભરાયું હતું. સામાન્ય સંજોગોમાં એકલ દોકલ શ્રદ્ધાળુઓની હાજરી હોય ત્યાં અચાનક શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થવા માંડે તો ચોક્કસ કોઇક કારણ હોઇ શકે.
આ ઉપરાંત અન્ય ધાર્મિક સ્થળોએ માથું ઝુંકાવવા આવતા મોટાભાગના લોકોની આર્થિક સમસ્યા મુખ્ય મુદ્દો હોવાનું તારણ બહાર આવી રહ્યું છે. ઘણા લોકો પોતાના સંતાનોને વિદેશ મોકલવાની ચિંતા વ્યક્ત કરતા જણાયા હતા, જ્યારે ખૂબ ઓછા લોકો પોતાના સંતાનોની લગ્ન સંબંધી ચિંતા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. પરંતુ સરેરાશ લોકો વર્તમાન વેપાર-ધંધામાં ભયાનક મંદી, બેરોજગારીથી પીડાઇ રહ્યા હતા. સુરતને લાગે વળગે છે ત્યાં સુધી મુખ્ય બે ઉદ્યોગો ડાયમંડ અને કાપડ ઉદ્યોગ લગભગ મરી પરવાર્યા જેવી હાલત છે. સુરતી પરિવારોનો મુખ્યધંધો ગણાતા જરીના ધંધામાં પણ હવે ‘કસ’ રહ્યો નથી મતલબ ૮૫ લાખની વસ્તીથી ફાટફાટ થતા સુરતમાં બેરોજગારી ચારે તરફથી ભરડો લઇ ચૂકી છે. કદાચ વાહનો વેચાતા હશે અને ડિઝલ, પેટ્રોલનું વેચાણ પણ વધ્યું હશે, પરંતુ આ ઘટના લોકો સુખી હોવાનો એક માપદંડ નથી.
હકીકત એ છે કે વધતી જતી બેરોજગારી દૂર કરવા સરકારે તત્કાળ રાહત આપે એવા કોઇ જ પગલા ભર્યા નથી બલ્કે ‘ટેક્સ’માં વધારો કરવામાં આવ્યો છે. સુરત મહાપાલિકાના વસુલવામાં આવતા મિલકતવેરાની રકમ અને થોડું મોડુ થાય તો વસૂલવામાં આવતુ અને વ્યાજ ઉપર નજર નાંખવામાં આવે તો ચામડી ચિરાઇ જાય એવા િબલો ફટકારવામાં આવે છે. પરંતુ આ વ્યથા ક્યાં કરવી? કોની સામે કરવી? કારણ, જ્યારે કોઇ સાંભળનારું જ ન હોય, અનુકંપા મરી પરવારી હોય ત્યાં ફરિયાદ કરવાનો કોઇ મતલબ નથી અને એટલે જ આર્થિક વિટંબણામાંથી પસાર થઇ રહેલા લોકો માટે માનસિક દુઃખ હળવું કરવા માટે ધર્મસ્થાનો જ એક માત્ર આશાનું કિરણ બની રહ્યા છે. મંદિરમાં બહાર આવીને મૂર્તિ રૂપિયાની થપ્પી પકડાવવાની નથી, પરંતુ એક સનાતન સત્ય છે કે ‘ઇશ્વરની કૃપાથી કોઇ મોટી કૃપા’નથી.
ધંધા-રોજગારમાં બેકારીની સમાંતર વિકરાળ બનતી જતી મોંઘવારીની સમસ્યા રોજ સવાર પડે ને અનેક પરિવારોને રડાવતી હશે. બની શકે કે ઘણા પરિવારો પાણી અને રોટલી ખાઇને ઊંઘી જતા હશે અનેક પરિવારના માસૂમ ભૂલકાઓના મોઢેથી દૂધના ગ્લાસ છીનવાઇ ગયા હશે. આ હવે ખાનગી નથી, બેરોજગારી, બેકારી અને મોંઘવારીની સમસ્યા દિવસે-દિવસે વિકરાળ બનતી જાય છે. સરકારમાં બેઠેલા લોકો અને ચંદ પૂજીપતિઓને બાદ કરતા સમાજનો ખૂબ મોટો વર્ગ ઘણા લાંબા સમયથી પીડાઇ રહ્યો છે અને આ વિટંબણાનો અંત ક્યારે આવશે એ પણ ખબર નથી.
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઇની આજે ૧૦૦મી જન્મ જયંતી હતી આ દિવસને આપણી સરકાર ‘‘સુશાસન દિવસ’’ તરીકે ઊજવી રહી છે. બાજપાઇની સરકારમાં ચોક્કસ ‘‘સુશાસન’’ હતું જ લોકોની આર્થિક સ્થિતિ કેવી હતી તેના કરતા લોકો ઉચાટ વગર જિંદગી જીવી રહ્યા હતા. બાજપાઇની સરકાર વખતે લોકોમાં વિદેશ સ્થળાંતર થવાનું લેશમાત્ર આકર્ષણ નહોતું. શાળાઓમાં શિક્ષણકાર્ય ‘સુસારુપણે’ ધમધમી રહ્યું હતું. વેપાર- ઉદ્યોગ પણ રાબેતા મુજબ ધમધમતા હતા. રોજ સાંજ પડે ને ગરીબના ઘરમાં પણ આનંદનો ઉજાસ રેલાતો હતો, પરંતુ આજે આખી સ્થિતિ વિપરીત છે.
‘સુશાસન’ની કલ્પના કરવી જ મુશ્કેલ છે. ચારે તરફ ભ્રષ્ટાચારના અજગરભરડાએ લોકોનો મજબૂર કરી દીધા છે. હવે લૂંટવા માટે બંદૂક બતાવવાની જરૂર નથી. કાયદાનો ડર બતાવીને આચરવામાં આવતા ભ્રષ્ટાચારને નજીકથી જોવામાં આવે તો આંખે અંધારા આવી જાય એવી હાલત છે.
બીજી તરફ દેશના ખૂબ મોટા વર્ગની ઉમીદ ગણાતા વડાપ્રધાનનું મૌન પ્રજા માટે સવિશેષ અકળાવનારું છે. કારણ કે વડાપ્રધાને ગરીબી, મજબૂરી, વિવશતાને ખૂબ નજીકથી જોયા છે. બળબળતા તાપમાં ખેતરમાં કામ કરતી વૃદ્ધ જનેતાને વડાપ્રધાને તેમને શૈશવકાળમાં ખૂબ નજીકથી જોઇ છે. વૃદ્ધ માતાનો કરચલીઓથી નિસ્તેજ થઇ ગયેલો ચહેરો અને પરિવારના પેટનો ખાડો પૂરવા માટે લોકોના વાસણ, પાણી, વાંસીદા કરતી મજબૂર મહિલાઓને નજીકથી અનુભવી છે અને છતાં વડાપ્રધાનનું મૌન કોઇ વિપરીતકાળ તરફ આંગળી ચીંધી રહ્યું છે.
દેશની કથળતી જતી આર્થિક હાલતના સમયમાં વડાપ્રધાને પેલા કૃષ્ણની માફક ‘ગોવર્ધન’ પર્વત ઉઠાવવા દોડવાની જરૂર છે, પરંતુ વીતેલા વર્ષોની હાલતમાં દેશમાં ‘સુદામા’ની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, પરંતુ સોનાની નગરીમાં આળોટતો ગરીબી દૂર કરનારો ‘કૃષ્ણ’ ક્યાંય દેખાતો નથી.