મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી લગભગ 110 મુસાફરો સાથેની ફેરી બોટ પલટી જતાં 13 લોકોનાં મોત થયાં છે અને પાંચની હાલત ગંભીર છે. અત્યાર સુધીમાં લગભગ 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ફેરી માલિકના જણાવ્યા અનુસાર નેવીની સ્પીડબોટ સાથે અથડાયા બાદ આ અકસ્માત થયો હતો. ફેરી બોટના માલિક રાજેન્દ્રએ જણાવ્યું હતું કે નૌકાદળની એક સ્પીડ બોટ ફેરી બોટ સાથે ટકરાઇ હતી. ફેરી દરરોજ બપોરે 3 વાગ્યાની આસપાસ એલિફન્ટા જાય છે.
આ અકસ્માત બાદ જે 99 લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમાં હૈદરાબાદનો રહેવાસી ગણેશ પણ સામેલ છે. તેમણે કહ્યું કે બોટમાં બાળકો સહિત 100થી વધુ મુસાફરો હતા. તેણે કહ્યું,3.30 વાગ્યે ટિકિટ ખરીદ્યા પછી, હું બોટમાં ચડ્યો અને ડેક પર ગયો. મેં જોયું કે સ્પીડ બોટ જેવું જહાજ અમારી બોટની નજીક પૂરપાટ ઝડપે ચક્કર લગાવી રહ્યું હતું. તેણે જણાવ્યું કે બોટમાં મુસાફરી કરી રહેલા એક નૌકાદળના કર્મચારીનું અકસ્માતમાં પગ કપાઈ જવાને કારણે મૃત્યુ થયું હતું.
ગણેશે કહ્યું, ‘બોટ, જે પાછળથી નૌકાદળની બોટ હોવાનું બહાર આવ્યું, તે અરબી સમુદ્રમાં ચક્કર લગાવી રહી હતી, જ્યારે અમારી બોટ મુંબઈ નજીકના લોકપ્રિય પર્યટન સ્થળ એલિફન્ટા ટાપુ તરફ જઈ રહી હતી. હું બપોરે 3.30 વાગ્યે બોટમાં ચડ્યો.’ તેણે કહ્યું,’એક ક્ષણ માટે મારા મગજમાં એવો વિચાર આવ્યો કે નૌકાદળની બોટ અમારી બોટ સાથે અથડાઈ શકે છે, અને પછીની થોડીક સેકન્ડોમાં તે બન્યું’ ગણેશે કહ્યું કે દુર્ઘટના સમયે દુર્ભાગ્યપૂર્ણ નીલ કમલ બોટના ડેક પર તે ઊભો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નિલકમલ નામની બોટ મુંબઇ નજીકના લોકપ્રિય પર્યટન સ્થળ એલિફેન્ટા આઇલેન્ડ તરફ જઇ રહી હતી ત્યારે તે પલટી ગઇ હતી. તેમણે જણાવ્યું કે સાંજે લગભગ 4 વાગે એક નાની બોટ નિલકમલ સાથે ટકરાઈ હતી. એક રક્ષા અધિકારીએ જણાવ્યું કે નૌકાદળ અને તટરક્ષક દળે મોટા પાયે બચાવ અભિયાન શરૂ કર્યું છે. જેમાં નૌકાદળની 11 નૌકાઓ, ત્રણ મરીન પોલીસની નૌકાઓ અને એક કોસ્ટ ગાર્ડ બોટ તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો :-