સામાન્ય સંજોગોમાં વડાપ્રધાન મોદી કોઈની વધારે પડતી સરાહના કરતા નથી, પરંતુ ટૂંકા ગાળામાં મોદીએ સી.આર. પાટીલની વારંવાર સરાહના કરવા ઉપરાંત તેમના નિવાસે રાત્રિભોજન લઈને કેન્દ્રીય નેતૃત્વમાં તેમને આગલી હરોળમાં ખેંચી ગયા હતા
નસીબના બળિયા સી.આર. પાટીલ અનેક સંઘર્ષોમાંથી પસાર થયા છે, પરંતુ મળેલી જવાબદારીમાં સફળ પુરવાર થવાની ખેવનાને કારણે ક્યારેય પણ હથિયાર હેઠા મૂક્યા નથી
સ્થાનિક, મહાપાલિકા, ધારાસભાની ચૂંટણી લડ્યા વગર સીધા જ સંસદમાં પહોંચેલા અને કેન્દ્રીય મંત્રી બનેલા સી.આર. પાટીલ સંગઠનમાં શહેરથી લઈને પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય માળખામાં હંમેશા નિર્ણાયક જવાબદારીઓ નિભાવતા આવ્યા છે અને સફળ પણ પુરવાર થતા આવ્યા છે
ગુજરાત બાદ હવે દેશના રાજકીય તખ્તે મજબૂત પકડ ઊભી કરી રહેલા સુરતના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની કાર્યક્ષમતાની વડાપ્રધાન મોદીએ આજે ભરપેટ સરાહના કરીને કેન્દ્રીય નેતૃત્વમાં તેમનું મહત્ત્વનું સ્થાન અંિકત કરી દીધું હતું. રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચેની નદીઓને જોડતી પાર્વતી-કાળીસિંઘ ચંબલ લિંક પરિયોજનાની જાહેરાત કરતી વખતે વડાપ્રધાન મોદીએ વરસાદી પાણી સંગ્રહ કરવાના ચાલી રહેલા અભિયાનની ચર્ચા કરવા સાથે સી.આર.પાટીલની કાર્યક્ષમતાનો લોકોને પરિચય આપતા કહ્યું હતું કે કદાચ લોકોને અંદાજ કે જાણકારી નહીં હોય પરંતુ સી.આર.પાટીલની કાર્યક્ષમતા ઉપર મને પાકો ભરોસો છે અને નદીઓને જોડવાની પરિયોજના સાકાર કરવામાં સી.આર.પાટીલ સફળ પુરવાર થશે. આ અગાઉ ગુજરાતમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સી.આર. પાટીલની સરાહના કરી હતી.
વડાપ્રધાન મોદીએ વરસાદી પાણી બચાવવા અને સંગ્રહ કરવાની કેટલીક પરંપરાઓને યાદ કરીને કહ્યું હતું કે જળ સંચય અભિયાન ભાવિ પેઢીની પાણીની જરૂરિયાત માટે આશીર્વાદરૂપ પુરવાર થશે. વડાપ્રધાન મોદીએ વરસાદી પાણીના સંગ્રહ માટે ત્રણ લાખ માળખાગત સુવિધાઓ સાકાર થઈ ચૂકી હોવાની જાહેરાત કરી હતી.
સામાન્ય સંજોગોમા વડાપ્રધાન મોદી પક્ષના નેતા કે મંત્રીઓની ક્યારેય સરાહના કરતા નથી કારણ કે તેમને અંદાજ છે કે તેમણે જાહેરમંચ ઉપરથી કરેલી સરાહના કેટલીક વખત જોખમી પુરવાર થઈ શકે છે. પરંતુ સી.આર.પાટીલ ઉપર તેમનો ભરોસો એટલા માટે કાયમ છે કે સી.આર.પાટીલ સંકટ સમયની સાંકળ જેવા પુરવાર થતા આવ્યા છે. સી.આર.પાટીલનું જમા પાસું એ છે કે તેમણે ક્યારેય પણ પક્ષપલટો કે નારાજગી કરવાનું વિચાર્યું નથી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના હાથે કેસિરયા કર્યા પછી આજ પર્યન્ત પક્ષની વિચારધારાને વળગી રહ્યા છે. તેમની વધતી જતી પ્રતિષ્ઠાને કારણે પોતીકા પક્ષના નારાજ લોકોની પરવા કર્યા વગર મજબૂત કેડી કંડારવાનું ક્યારેય પણ છોડ્યું નથી.
ફળશ્રુતિરૂપે સી.આર.પાટીલને સતત મહત્ત્વની કામગીરી પક્ષનું નેતૃત્વ સોંપતું આવ્યું છે. સી.આર.પાટીલના આકરા અને સ્પષ્ટવક્તા સ્વભાવને કારણે ઘણી વખત પક્ષમાં આંતરિક નારાજગીના વમળો સર્જાતા રહ્યા છે. પરંતુ આવાં નારાજગીના વમળોની તેમણે ક્યારેય પણ પરવા કરી નથી. વળી, તેમના જ નેતૃત્વમાં મહાનગરપાલિકાઓ, પંચાયતો, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ યોજવામાં આવેલી તમામ ચૂંટણીઓમાં ભાજપે સતત જીત હાંસલ કરી હતી. મજબૂત કામગીરી અને ચૂંટણીઓ જીતવા માટે નિર્ણાયક વ્યૂહરચનાને કારણે કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા પછી પણ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખપદે સી.આર.પાટીલને મુદ્દત પૂરી થયા પછી પણ ચાલુ રાખવામાં આવ્યા છે અને હવે આગામી પંચાયતોની ચૂંટણી પણ તેમના નેતૃત્વમાં જ લડવામાં આવશે એ પણ નક્કી છે.
સી.આર.પાટીલને કેન્દ્રીય મંત્રીમંડળમાં કેબિનેટમંત્રી બનાવવા સાથે તેમને જળશક્તિ મંત્રાલય ફાળવવામાં આવ્યું ત્યારે એવું લાગતુ હતું કે સી.આર.પાટીલ જળશક્તિમંત્રી તરીકે કેટલા સફળ થશે? પરંતુ મંત્રાલયની ફાળવણી કર્યાના પ્રથમ દિવસથી જ સી.આર.પાટીલે પોતાના સ્વભાવ મુજબ જળસંગ્રહના કાર્યક્રમો યોજવા સાથે મંત્રાલયને નવી ઓળખ આપીને ધમધમતું કરી દીધું હતું. જે મંત્રાલયની કોઇ જ ઓળખ નહોતી એ મંત્રાલયની હવે ચર્ચા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી વખતની સરકારમાં સી.આર.પાટીલે પ્રથમ ૧૦ મંત્રીઓમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે અને વડાપ્રધાન મોદીનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવામાં સી.આર.પાટીલ સફળ પુરવાર થયા છે અને એટલે જ થોડા દિવસ પહેલા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ખેલકૂદમંત્રી મનસુખ માંડવીયા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ પુરૂષોત્તમ રૂપાલા સહિત અન્ય મંત્રીઓ અને સાંસદો સી.આર.પાટીલના બંગલે રાત્રિભોજનમાં જોડાયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ એક કલાક કરતા વધુ સમય સી.આર.પાટીલ સાથે વિતાવવા ઉપરાંત એક જ ટેબલ ઉપર સાથે બેસીને ભોજન લીધું હતું.
ખેર, આજે રાજસ્થાનની ભજનલાલની સરકારના એક વર્ષની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં દાદીયા ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પસાર થતી પાર્વતી, કાલીસિંઘ અને ચંબલ નદીઓને જોડતી પરિયોજનાની જાહેરાત કરીને પ્રારંભ કરાવ્યો હતો. પાર્વતી, કાલીસિંઘ અને ચંબલ નદીને જોડવા અંગે ૨૦૨૪ના ફેબ્રુઆરી માસમાં કરાર કરવામાં આવ્યા હતા.
માટીના ત્રણ અલગ-અલગ ઘડામાં પાર્વતી, કાલીસિંઘ અને ચંબલ નદીનું પાણી ભરવામાં આવ્યું હતું. સૌપ્રથમ જળશક્તિમંત્રી સી.આર.પાટીલે કાલીસિંઘ નદીના પાણીથી ભરેલો ઘડો વડાપ્રધાનને અર્પણ કર્યો હતો. ત્યાર બાદ રાજસ્થાનના મંત્રી ભજનલાલ શર્માએ ચંબલનદીના પાણીથી ભરેલો ઘડો અને મધ્યપ્રદેશના મંત્રી મોહન યાદવે ચંબલ નદીના પાણીથી ભરેલો ઘડો અર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ મોટાઘડામાં ત્રણ નદીના પાણીને સંગ્રહિત કરીને પાર્વતી-કાલીસિંઘ અને ચંબલ નદીને જોડતી પરિયોજનાની જાહેરાત કરી હતી અને આ ત્રણે નદીઓને જોડવાની ‘ભગીરથ’ જવાબદારી સી.આર.પાટીલને સોંપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાન-મધ્યપ્રદેશને જોડતી ત્રણ નદીઓની પરિયોજનાની જાહેરાત પૂર્વે કેન્દ્રીયમંત્રી સી.આર.પાટીલે સુરતમાં વસતા રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઉદ્યોગ અગ્રણીઓ અને લોકોના વિશાળ સંમેલનનું આયોજન કર્યુ હતું તથા હંમેશાં પાણીની વિકટ સમસ્યાથી પીડાતા મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં વરસાદી અને મુખ્ય નદીઓના પાણીનો સંગ્રહ કરવાની આખી યોજના સમજાવી હતી અને જન્મભૂમિ માટે લાગણી ધરાવતા લોકોએ વરસાદી પાણીના સંગ્રહની યોજનાને આવકારી હતી. સુરતમાં યોજાયેલા સમારોહને વડાપ્રધાન મોદીએ પણ વર્ચ્યુલ સંબોધન કર્યું હતું.
કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ નિર્ણાયક કામગીરી સાથે પ્રભાવ ઊભો કરવામાં સતત કારગત નીવડી રહેલા સી.આર.પાટીલ આવનારા સમયમાં બની શકે કે સરકારમાં નિર્ણાયક ભૂમિકાનો હિસ્સો બની ગયા હશે.