મહારાષ્ટ્રમાં મહાયુતિને ટ્રેન્ડમાં પૂર્ણ બહુમત મળી રહ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. શિંદેએ કહ્યું કે અમે મહારાષ્ટ્રના લોકોનો આ લીડ માટે આભાર માનીએ છીએ. અમે મહાયુતિના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ જ કારણ છે કે મહાયુતિ વલણોમાં આટલા બધા માર્જિનથી આગળ છે.
ભાજપે રાજ્યની 148 બેઠકો પર ચૂંટણી લડી હતી અને અત્યાર સુધી આવેલા રૂઝાનોમાં તે 127 બેઠકો પર આગળ ચાલી રહી છે. જો આ રૂઝાન પરિણામોમાં બદલાય છે તો ભાજપની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત હશે. ભાજપનો સ્ટ્રાઈક રેટ 84 ટકાનો રહ્યો છે, જે રાજકીય પંડિતોને પણ ચોંકાવી રહ્યો છે. મહારાષ્ટ્રના ચૂંટણી ઈતિહાસમાં ભાજપને પહેલી વખત આટલી વધુ બેઠકો મળશે. આનાથી પાર્ટી રાજ્યના રાજકારણમાં મજબૂત થવાની સાથે જ ગઠબંધનમાં પણ ખૂબ શક્તિશાળી થઈને ઉભરશે અને પોતાના જ સીએમ બનાવવામાં તેને સફળતા મળી શકે છે.
ભાજપ માટે 127 બેઠકો પર જીત મેળવવાની સાથે જ સ્ટ્રાઈક રેટ પણ મહત્ત્વ રાખે છે. ભાજપે 2014ની વિધાનસભા ચૂંટણીમાં 260 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા પરંતુ 122 બેઠકો પર જ જીત મળી હતી. તે બાદ 2019માં તેનો શિવસેના સાથે ગઠબંધન થયુ હતુ અને 150 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. તે બાદ પણ તેને 105 બેઠકો પર જ જીત મળી હતી. આ રીતે જોઈએ તો ભાજપને મહારાષ્ટ્રના પોતાના ચૂંટણી ઈતિહાસમાં સૌથી મોટી જીત મળી છે. આ પહેલા ભાજપને 2009માં 46 અને 2004માં 54 બેઠકો પર જીત મળી હતી.
શિવસેનાના નેતા નરેશ મ્હાસ્કેએ પણ પોતાનું સમર્થન આપતા કહ્યું હતું કે લોકોએ મહાયુતિમાં પોતાનો વિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને નકારી કાઢી છે અને એકનાથ શિંદેને નેતૃત્વ માટે ચૂંટી કાઢ્યા છે, કારણ કે બાળાસાહેબ ઠાકરેની શિવસેના સલામત હાથોમાં છે. તેમણે કહ્યું કે લોકોએ સંજય રાઉતને પોતાના મતોથી મોટો તમાચો માર્યો છે. શિવસેનાના કાર્યકર તરીકે હું માનું છું કે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી બનવું જોઈએ.
આ પણ વાંચો :-