Thursday, Oct 30, 2025

શેરબજારમાં તોફાની તેજી, સેન્સેકસ 2000 પોઈન્ટ અપ

2 Min Read

શેરબજારમાં આઈટી-પીએસયુ શેર્સમાં લેવાલી તેમજ એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં ભાજપ સમર્થિત મહાયુતિ ગઠબંધનની જીતની સંભાવનાઓ સાથે શેરબજારમાં આજે આકર્ષક તેજી જોવા મળી છે. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ 2062.4 પોઈન્ટ ઉછળી 79218.19ની ઈન્ટ્રા ડે હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જે 2.28 વાગ્યે 1713.74 પોઈન્ટ ઉછાળે, જ્યારે નિફ્ટી 512.05 પોઈન્ટ ઉછળી 23861.95 પર ટ્રેડેડ હતો.

આઈટી, રિયાલ્ટી, પીએસયુ શેર્સમાં રોકાણકારોની આક્રમક ખરીદીના પગલે આજે રોકાણકારોની મૂડી 6.42 લાખ કરોડ વધી છે. ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.50 ટકા સુધીનું ગાબડું નોંધાયુ હતું. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની વણસી રહેલી સ્થિતિ વચ્ચે શેરબજારમાં ઉછાળો જળવાઈ રહેશે કે કેમ તેની જાણ આવતીકાલે રજૂ થનારા મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો બાદ થાય તેવુ માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યા છે.

પાવર અને મેટલ સિવાય અન્ય તમામ સેકટોરલ ઇન્ડેક્સ વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં PSU બેન્ક, IT, રિયલ્ટીમાં 1-1 ટકાનો ગ્રોથ છે. એપોલો હોસ્પિટલ્સ, ICICI બેન્ક, SBI, પાવર ગ્રીડ કોર્પ અને HDFC લાઇફ નિફ્ટીમાં ટોચના ગેનર્સમાં હતા. જ્યારે M&M, એક્સિસ બેન્ક અને હીરો મોટોકોર્પમાં ઘટાડો જોવા મળ્યો.

આ ઉપરાંત શુક્રવારે એશિયન શેરબજારોમાં તેજી રહી હતી. ખાસ કરીને સેમિકન્ડક્ટર કંપનીઓમાં શેરના ભાવમાં વધારો થયો હતો આ સિવાય સોનાના ભાવમાં પણ વધારો થયો હતો. ઑસ્ટ્રેલિયા, જાપાન અને દક્ષિણ કોરિયામાં શેરોના ભાવ વધ્યા હતા જ્યારે હોંગકોંગ અને ચીનમાં શેરોના ભાવ ઘટ્યા હતા. કારણ કે ગુરુવારે યુએસ-લિસ્ટેડ ચાઇનીઝ શેરનો ઇન્ડેક્સ 1 ટકા ઘટ્યો હતો. MSCI એશિયા પેસિફિક ઇન્ડેક્સ 0.7 ટકા જેટલો વધ્યો છે.

Share This Article