મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા જ મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લાગ્યો છે. આ આરોપ લગાવતા વિપક્ષી પાર્ટી- બહુજન વિકાસ આઘાડીએ તાવડેને પાલઘરની એક હોટલમાં ઘેરી લીધા છે. BVA કાર્યકરોનો આરોપ છે કે તાવડે તેને વહેંચવા માટે 5 કરોડ રૂપિયા લઈને અહીં આવ્યા હતા.
વિરોધીઓએ હાલ આખી વિવાંતા હોટલને સીલ કરી દીધી છે અને સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ જણાઈ રહી છે. જણાવી દઈએ કે, આ વિસ્તારમાં BVAની સ્થિતિ ઘણી મજબૂત માનવામાં આવે છે. BVA કાર્યકરોનો આરોપ છે કે તાવડે મતદાન માટે રોકડ વહેંચવા આવ્યા હતા. આ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ પણ હોટલ પર પહોંચી ગયા છે. BVAના કાર્યકરો વિવાંતા હોટલ ખાતે જમા થઈ રહ્યા છે.
તાવડેએ પોતાના બચાવમાં કહ્યું કે, હું બુથ મેનેજમેન્ટના કામ માટે ત્યાં ગયો હતો. તેઓ તેમના કાર્યકરોને મતદાન કર્યા પછી ઈવીએમ મશીનો કેવી રીતે સીલ કરવામાં આવે છે તે જણાવવા માટે બેઠકમાં આવ્યા હતા. આ દરમિયાન અમારા વિરોધ પક્ષના કાર્યકરોને લાગ્યું કે પૈસાની વહેંચણી થઈ રહી છે. હું 40 વર્ષથી પાર્ટીમાં છું. સત્ય બધા જાણે છે, પરંતુ તેમ છતાં ચૂંટણી પંચ અને પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. હોટલમાં સીસીટીવી ફૂટેજ છે. તપાસ થશે તો બધું સ્પષ્ટ થઈ જશે.
આ તમામ હોબાળા વચ્ચે શિવસેના (યુબીટી) ચીફ ઉદ્ધવ ઠાકરેનું પણ નિવેદન સામે આવ્યું છે. ઠાકરેએ કહ્યું, હું જ્યારે માતા તુલજા ભવાનીના દર્શન માટે આવી રહ્યો હતો, ત્યારે મારો બેગ ચૂંટણી પંચના અધિકારીઓએ ચેક કરી. જો કે તેમને કંઈ મળ્યું નહીં. હવે ખબર પડી રહી છે કે, તાવડેની બેગમાંથી પૈસા મળી રહ્યા છે. કાલે પણ અનિલ દેશમુખ પર જે પ્રકારે હુમલો થયો, તેના પથ્થર ક્યાંથી આવ્યા તેની તપાસ કરવી જોઈતી હતી. હું માતા તુલજા ભવાનીને પ્રાર્થના કરૂં છું કે, આ ભ્રષ્ટ સરકારને રાજ્યમાંથી ખતમ કરવામાં આવે.
આ પણ વાંચો :-