મણિપુરમાં ફરીથી ભડકેલી હિંસા બાદ વાતાવરણ ખૂબ જ તંગ છે. આ વચ્ચે મૈતેઈ સમુદાયના નાગરિક સંગઠનોએ NDA ધારાસભ્યોના એ પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં કુકી આતંકવાદી જૂથો સામે નક્કર પગલાં લેવાનું આહવાન કરવામાં આવ્યું હતું. રાજ્યની સત્તારુઢ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના ધારાસભ્યોએ સોમવારે રાત્રે એક બેઠક કરીને એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેમાં જીરીબામ જિલ્લામાં ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોની હત્યા માટે જવાબદાર કુકી આતંકવાદીઓ સામે 7 દિવસની અંદર મોટા પાયે ઓપરેશન ચલાવવાનું આહવાન કર્યું હતું.
આ બેઠકમાં 27 ધારાસભ્યોએ હાજરી આપી હતી પરંતુ મૈતેઈ સમુદાયના નાગરિક સંગઠનોએ તેને ફગાવી દીધો અને સરકારને 24 કલાકની અંદર કુકી આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. મણિપુરમાં છ નિર્દોષ મહિલાઓ અને બાળકોની હત્યા માટે જવાબદાર કુકી આતંકવાદીઓ વિરુદ્ધ સાત દિવસની અંદર કાર્યવાહીની માગ સાથે મોટું અભિયાન શરૂ કરાશે. નિવેદનમાં કહેવાયું છે કે, છ નિર્દોષ મહિલાઓ અને બાળકોની હત્યા માટે જવાબદાર કુકી આતંકવાદીઓના સંગઠનને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે. આ ઘટનામાં તાત્કાલિક તપાસ માટે NIA કેસ સોંપવામાં આવે.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર 14 નવેમ્બરના આદેશ અનુસાર તાત્કાલિક અસરથી AFSPAના અમલીકરણની સમીક્ષા કરશે. વધુમાં જો આ દરખાસ્તોને નિર્ધારિત સમયગાળામાં લાગુ કરવામાં નહીં આવે, તો તમામ NDA ધારાસભ્યો મણિપુરના લોકો સાથે પરામર્શ કરીને આગળની કાર્યવાહી નક્કી કરશે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો મણિપુરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલી વહેલી તકે તમામ જરૂરી પગલાં લે. ધારાસભ્યોએ મંત્રીઓ અને ધારાસભ્યોની મિલકતો પર હુમલાની પણ નિંદા કરી હતી.
આ ઘટનાને રાજ્યમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ છે. એન બિરેન સિંહના નેતૃત્વ વાળી ભાજપ સરકાર પણ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે કારણ કે લોકો હવે મુખ્યમંત્રીના રાજીનામાની માગ કરી રહ્યા છે. બિરેન સિંહ સરકારમાં સામેલ કોનાર્ડ સંગમાની પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટીએ સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. ત્યારબાદ જ મુખ્યમંત્રીએ સોમવારે NDA ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી પરંતુ 38 માંથી 11 ધારાસભ્યો આ બેઠકમાં સામેલ નહોતા થયા.
આ પણ વાંચો :-