Thursday, Oct 23, 2025

પીએમ મોદીના વિમાનમાં સર્જાઈ ટેકનિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેમણે દેવધર એરપોર્ટ પર જ રોકાઈ જવું પડ્યું હતું. વિમાનમાં ખામી સર્જાવાને કારણે તેમને દિલ્હી પરત આવવામાં વિલંબ થઈ ગયો હતો. વડાપ્રધાન આજે ઝારખંડ-બિહારની સરહદે જુમઈ ખાતે પહોંચ્યા હતા ત્યાંથી તેમણે દેવધર વિમાન મથકે પરત આવવાનું હતું. તેઓ વિમાન મથકે આવી પહોંચ્યા પછી વિમાનમાં ખામી સર્જાતાં તેઓ ત્યાં જ થોડો સમય રોકાઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ વિમાનની નિયમિત ઉડાણ દરમિયાન એક ટેક્નિકલ ખામીની જાણકારી મળી. જેના કારણે વિમાનને તરત દેવઘર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યં. વિશેષજ્ઞ ટીમ દ્વારા વિમાનની તપાસ થઈ રહી છે. જેથી કરીને સમસ્યાને જલદી ઉકેલી શકાય. પીએમ મોદીનો આ પ્રવાસ પહેલેથી જ વ્યસ્ત કાર્યક્રમનો ભાગ હતો અને તેના અનપેક્ષિત વિલંબથી તેમની આગળની યોજનાઓમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા છે.

પીએમ મોદી આદિવાસી મહાનાયક ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે બિહારના જમુઈ પહોંચ્યા હતા. ત્યાં તેમણે 6,000 કરોડ રૂપિયા કરતાં વધુ કિંમતની યોજનાઓનું લોકાર્પણ તથા શિલાન્યાસ કર્યા હતા. તેમણે જમુઈથી દૂર અંતરિયાળ ગામમાં આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આદિવાસી મહાનાયક બિરસા મુંડાના જન્મદિવસને 2021થી જનજાતિ ગૌરવ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે.

આ પહેલા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડના ગોડ્ડામાં ફસાઈ ગયું હતું. એટીએસે તેમના હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી આપી ન હતી. તેમના હેલિકોપ્ટરને હેલિપેડ પરથી ટેકઓફ કરવાની મંજૂરી મળી ન હતી અને રાહુલનું હેલિકોપ્ટર અડધા કલાકથી વધુ સમય સુધી ત્યાં જ ઊભું રહ્યું હતું. કોંગ્રેસે આ માટે ભાજપને જવાબદાર ગણાવ્યું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી. રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ગોડ્ડાના બેલબડ્ડા ખાતે રોકાયું હતું. કોંગ્રેસના ધારાસભ્યે હેલિકોપ્ટર માટે મંજૂરી ન મળવાને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ધારાસભ્યએ તેને ભાજપની ખોટી નીતિ ગણાવી છે.

આ પણ વાંચો :-

Share This Article