Friday, Oct 24, 2025

ખ્યાતિ હોસ્પિટલકાંડમાં કોર્ટે ડોક્ટર પ્રશાંતને 7 દિવસના રિમાન્ડ મંજૂર

2 Min Read

ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજૂરી વગર જ હોસ્પિટલ ચાલતી હોવાનો ખુલાસા બાદ હોસ્પિટલને નોટિસ ફટકારાઇ છે. તો દર્દીઓનું દિલ કારણ વગર ચીરી નાંખનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો. જ્યાં કોર્ટે તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ખ્યાતિ હોસ્પિટલે કેમ્પને જાણે કે કમાણીનું સાધન બનાવી દીધું હોય તેમ કડીમાં બે વર્ષથી તેમણે ધામા નાંખ્યા હતા. કડીના વિવિધ ગામોમાં કેમ્પ કરી અનેક લોકોના ઓપરેશન કરી નાંખ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણીને લઈ બોરીસણા ગામના લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. બીજી તરફ NSUIના કાર્યકરો પણ હોસ્પિટલની તાળાબંધી કરવા પહોંચ્યા છે. જો કે પોલીસે ટીંગાટોળી કરી NSUIના કાર્યકરોને હટાવ્યા હતા.

ખ્યાતિ હોસ્પિટલમાં નાણાં કમાવવાની લ્હાયમાં દર્દીઓના જીવ સાથે રમત રમી રહી હતી, ત્યારે એક બાબત એ પણ જાણવા મળી છે કે, ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2021 હેઠળ હજુ સુધી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન જ કરાવ્યું નથી. હોસ્પિટલમાં બે-બે દર્દીના મોતની આ ઘટનાએ ગુજરાત સરકારની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યાં છે. આ અંગે સચિવાલયમાં આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પોલીસ સાથે બેઠક થઇ હતી. જેમાં શું નિર્ણય લવાયો અને શું કાર્યવાહી કરાશે તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી અનુસાર આ કેસમાં રાજ્ય સરકાર જ ફરિયાદી બનશે. પરંતુ, હોસ્પિટલને તાત્કાલિક બંધ કરાવવાના મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી. હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)માં કરાયેલા ભ્રષ્ટાચારના મુદ્દે પણ સરકાર તરફથી હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. પરંતુ વર્ષ 2021માં ખ્યાતિ હોસ્પિટલને PMJAY–મા સસ્પેન્ડ કરાઈ હતી તેવું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article