- સુરતના જાણીતા અમિત શાહ અને શંકુતલા દંપતીનો એકનો એક પુત્ર મિરાજ MBBSના વધુ અભ્યાસ માટે થોડા દિવસ પછી અમેરિકા જવાનો હતો અને અનંતના માર્ગે ઊપડી ગયો!!
- બુધવારની મોડી રાત સુધી માતા-પિતા સાથે અમેરિકા જવાની વાતને લઈને ચર્ચા કરતો અને સવારે જોયું તો મિરાજ છત સાથે લટકતો હતો!!
- મિરાજ પરિવારનો એકનો એક લાડકવાયો પુત્ર હતો, ખમતીધર માતા-પિતાએ મિરાજના ઉછેર, અભ્યાસ, સુખ-સગવડમાં કોઈ જ ખામી રાખી નહોતી અને છતાં મિરાજે શા માટે આંત્યતિક પગલું ભર્યું, કોઈની પાસે જવાબ ન હતો
સુરતમાં પત્રકારત્વથી પ્રવેશ કરનાર અને નખિશખ સજ્જન અને સામાજિક પ્રવૃત્તિઓ ઉપરાંત જમીનના વ્યવસાય સાથે સંકળાયેલ અમિત શાહના યુવાન ડૉક્ટર પુત્રએ આજે વહેલી સવારે અચાનક આપઘાત કરી લેતા સુરતના ભદ્ર સમાજમાં સન્નાટો ફરી વળ્યો હતો. મિરાજ શાહ દંપતી અમિત અને શકુંતલાનો એકનો એક લાડકવાયો પુત્ર હતો અને તબીબી ક્ષેત્રે વધુ અભ્યાસ કરવા થોડા દિવસોમાં અમેરિકા જવાનો હતો.

મિતભાષી અમિત શાહ અને શકુંતલા દંપતીના પ્રેમના પ્રતીક સમાન મિરાજ (ઉ.વ.૨૫) MBBSનો અભ્યાસ કરી રહ્યો હતો. ભણવામાં ખૂબ જ હોશિયાર મિરાજ સ્વભાવે પણ પિતા અમિત અને માતા શકુંતલાની માફક ખૂબ જ શાંત અને અંતર્મુખી હતો.
ઘર-પરિવારમાં એવી કોઈ જ ઘટના બનવા પામી નહોતી કે મિરાજે જીવન ટુંકાવવું પડે, એવું પગલું ભરવું પડે. માતા-પિતાનો અઢળક પ્રેમ ઉપરાંત મિરાજ પોતે પણ ખુલ્લા દિલનો યુવાન હતો. પિતા અમિત શાહે મિરાજની ઇચ્છા મુજબ ભણાવ્યો હતો અને મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અમેરિકાની સર્વોચ્ચ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે મંજૂરી આપી હતી અને મિરાજ અમેરિકા જવાની આખરી તૈયારી પણ કરી રહ્યો હતો.

ગઈકાલે બુધવારની મોડી રાત સુધી માતા-પિતા સાથે અમેરિકા જવાની તૈયારી અંગે ચર્ચા કરી રહ્યો હતો. કેટલીક યુનિવર્સિટી અંગે ચર્ચા પણ કરી હતી અને માતા શકુંતલા અને પિતા અમિત શાહે હસતાં-હસતાં મંજૂરી પણ આપી હતી. બુધવારની મોડી રાત્રે હસીખુશીના વાતાવરણમાં પરિવારના ત્રણે સભ્યો વાત કરતાં-કરતાં ઊંઘી ગયા હતા. કોઈને મનમાં અમંગળ ઘટનાની આશંકા પણ નહોતી, પરંતુ ગુરૂવારની સવાર શાહ પરિવાર માટે કમનસીબ બનીને ઊગી હતી.
સુરતના વૈભવી ગણાતા ઉમરા વિસ્તારમાં ઓપેરો બંગ્લોઝમાં રહેતા અમિત શાહ પરિવારમાં, ગુરૂવારની કમનસીબ સવારે માતા શકુંતલા પુત્ર મિરાજને ઉઠાડવા માટે તેમના રૂમના દરવાજા સુધી ગયા ત્યાં સુધી માતાના મનમાં પણ ઉત્સાહ ભરેલો હતો. કારણ, થોડા દિવસ પછી પુત્ર મિરાજ અમેરિકા જવાનો હતો.
પરંતુ મિરાજના રૂમનો બંધ દરવાજો ખોલતાની સાથે માતાની નજર સામેનું દૃશ્ય આઘાતજનક હતું. વિચારી પણ શકાય નહીં એવી ઘટના આકાર લઈ ચૂકી હતી. હોનહાર પુત્ર મિરાજનું શરીર ફાંસો ખાધેલી હાલતમાં લટકતું હતું. માતા શકુંતલા માટે કલ્પના કરવાનું પણ મુશ્કેલ હતું. મોઢામાંથી શબ્દો પણ નીકળતા નહોતા. મન અને મસ્તક સુન્ન મારી ગયાં હતાં. જાણે નજર સામેનું દૃશ્ય સાવ ખોટું હતું. મિરાજ કદાચ કોઈ રમત કરી રહ્યો હતો.
પરંતુ વાસ્તવિકતા એ હતી કે, મિરાજે છતના હુક સાથે કાપડ બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો!!
મિરાજનો નિશ્ચેતન દેહ છત સાથે લટકી રહ્યો હતો!! પિતા અમિત અને માતા શકુંતલા આઘાતમાં સરી પડ્યા હતા. મિરાજે આવું શા માટે કર્યું? મિરાજને કઈ વાતનું દુઃખ હશે વગેરે વગેરે સવાલ શાહ દંપતીને કોરી ખાતા હતા. પરંતુ નજર સામેના સત્યને ‘અસત્ય’ પુરવાર કરવાનું શક્ય નહોતું. એક હોનહાર ડૉક્ટર યુવાન માતા-પિતાના સપના અધૂરા મૂકીને આ દુનિયાને અલવિદા કરીને નીકળી ગયો હતો. માતા-પિતા શકુંતલા અને અમિતનો સંસાર ઉજડી ગયો હતો.
થોડા સમયના અંતરે અડોશી- પડોશીઓ, મિત્રો અને સગા સંબંધીઓને જાણ થતા લોકો દોડી આવ્યા હતા. બધાના મોઢામાં એક જ સવાલ હતો. વધુ અભ્યાસ માટે અમેરિકા જવાની તૈયારી કરી રહેલા મિરાજે આમ અચાનક અાંત્યતિક પગલુ શા માટે ભર્યું હશે? મિરાજને કોઈ વાતનું દુઃખ નહોતું. પરિવાર સંસ્કારી હતો. પિતાની પણ સમાજમાં સારી પ્રતિષ્ઠા હતી. પોતે પણ ભણવામાં હોશિયાર હતો અને છતાં જીવનલીલા સમાપ્ત કરી લેવાનો નિર્ણય કેમ કર્યો હશે!?
કલાકો વીતતા ગયા, યંત્રવત્ નિર્ણયો પણ લેવાતા ગયા, મિરાજના દેહને નીચે ઉતારીને કાનૂની વિધિ પૂરી કરવામાં આવી અને સાંજના છેડે ઉમરા તાપી કિનારાના રામનાથ ઘેલા સ્મશાન ઘાટ ખાતે મિરાજના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે પણ મિરાજે ભરેલા અાંત્યતિક પગલાંનો જવાબ અનુત્તર રહ્યો હતો. મિરાજનું શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું હતું, પરંતુ મિરાજના મૃત્યુની ઘટના ભુલાતા વર્ષો નીકળી જશે.
અમિત અને પત્ની શકુંતલાની આંખોના આંસુ રેલાતા ક્યારેય પણ બંધ નહીં થાય. આંસુના પ્રત્યેક ટીપા સાથે સવાલ પૂછાતો રહેશેઃ મિરાજે આવું શા માટે કર્યું? અમિત અને શકુંતલા એક પ્રેમાળ યુગલ છે અને મિરાજ તેમના પ્રેમનું પ્રતીક હતો. સમયની રેતની સાથે દૃશ્યો ભુંસાતા જશે. પરંતુ અમિત અને શકુંતલાના છેલ્લા શ્વાસ સુધી મિરાજ નહીં ભુલાય. રોજ સવાર, સાંજ અને રાતના સમયે મિરાજ સતત પડઘાયા કરશે…