આજે ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન છે. ઝારખંડની 81 વિધાનસભા બેઠકોમાંથી આજે પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાન છે. આ તમામ 43 સીટો પર એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ વચ્ચે જોરદાર ટક્કર છે. જ્યારે ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન છે.
આ વખતે વાવ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયા જંગ છે. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત અને ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે પૂર્વ ભાજપ નેતા માવજી પટેલે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન થઇ રહ્યું છે. વહેલી સવારે સાત વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાર કલાકમાં 24.39% વોટિંગ થયું છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 15 જિલ્લાની 43 બેઠકો પર મંગળવારે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધી 29.31% મતદાન થયું હતું. અત્યાર સુધીમાં ખુંટી જિલ્લામાં સૌથી વધુ 34% અને રામગઢ જિલ્લામાં સૌથી ઓછું 24.17% મતદાન થયું છે.
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં 13 નવેમ્બર અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે કુલ 2.60 કરોડ મતદારોમાંથી 1.37 કરોડ મતદારો બુધવારે પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન કરશે. બાકીની 38 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થશે. ઝારખંડમાં પહેલા તબક્કામાં બુધવારે સૌથી વધુ છ બેઠકો પૂર્વ સિંહભૂમ જિલ્લામાં છે. ત્યાર પછી પલામુ, પશ્ચિમી સિંહભૂમ અને રાંચી જિલ્લામાં પાંચ-પાંચ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો પર બુધવારે સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. જોકે, 950 મતદાન મથકો પર સાંજે 4 વાગ્યે મતદાન પૂરું થઈ જશે. રાજ્યમાં 43માંથી 17 બેઠકો સામાન્ય, 20 એસટી અને 6 બેઠકો એસસી માટે અનામત છે.
આ પણ વાંચો :-