Saturday, Sep 13, 2025

મણિપુરમાં ઉગ્રવાદીઓનો આતંક, બળાત્કાર કરી મહિલાને સળગાવી દેવાઈ

2 Min Read

મણિપુરમાં હજુ પણ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મણિપુરના જીરીબામ જિલ્લાના એક ગામમાં 31 વર્ષીય આદિવાસી મહિલા પર દુષ્કર્મ કરીને તેને સળગાવી દેવામાં આવી હતી. મૃતક મહિલા ત્રણ બાળકોની માતા હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ગુરુવારે કેટલાક હથિયારધારી લોકોએ ઘરો પર હુમલો કર્યો હતો.

પોલીસે એફઆઈઆરમાં ‘વંશીય અને સમુદાયના આધારે દુષ્કર્મ અને હત્યા‘ નો ઉલ્લેખ કર્યો છે. પીડિતાના પતિએ પોલીસને ફરિયાદ કરી અને જણાવ્યું કે આ કૃત્ય ગેરકાયદેસર ઘૂસણખોરો તરફથી કરવામાં આવ્યુ હતુ પરંતુ હુમલાખોરોની ઓળખ અત્યાર સુધી થઈ શકી નથી. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર શંકા છે કે હુમલાખોર મણિપુરના સ્થાનિક વિસ્તારોથી હોઈ શકે છે.

ઈન્ડિજિનસ ટ્રાઈબલ એડવોકેસી કમિટી (ITAC) એ નિવેદન જારી કરી કહ્યું કે હુમલાખોરોએ ગામમાં ઘૂસતાં જ ઘરોમાં આગ લગાડી દીધી અને ફાયરિંગ કર્યું. આ દરમિયાન ગામના લોકો જીવ બચાવવા માટે જંગલ તરફ ભાગવા લાગ્યા પરંતુ એક મહિલા ફસાઈ ગઈ અને તેની બર્બરતાથી હત્યા કરી દેવાઈ. આ ઘટના મણિપુરમાં જારી જાતિગત સંઘર્ષની વધુ એક ભયાવહ ઘટના બની ગઈ છે.

પીડિતાના પતિએ જણાવ્યું હતું કે, જૌરાવન ગામમાં પહેલા મકાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો અને તેની હત્યા કરી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે મણિપુરમાં આ પ્રકારની ઘટના પહેલીવાર સામે આવી છે. અહીં એક આદિવાસી મહિલાને નગ્ન કરીને પરેડ કરવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું કે મહિલાના મૃતદેહને ફોરેન્સિક ટેસ્ટ માટે આસામ મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article