મધ્યપ્રદેશના જબલપુરમાં એક ઓર્ડિનન્સ ફેક્ટરીમાં (હથિયારો બનાવતી કંપની)માં આજે મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો છે. જિલ્લાના ખમરિયામાં આવેલી ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં બે કર્મચારીઓના મૃત્યુ થયાની માહિતી મળી રહી છે જ્યારે 8થી વધુ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ બ્લાસ્ટ કંપનીના F6 સેક્શનમાં થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. ઘણા કર્મચારીઓ કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ પણ છે. મૃત્યુઆંક વધી શકે છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
જણાવી દઇએ કે, ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયાના જીએમ અને અન્ય અધિકારીઓ સ્થળ પર હાજર છે. જો કે, અધિકારીઓ હાલમાં મીડિયા સાથે કોઈ માહિતી શેર કરી રહ્યા નથી. માહિતી મળતાં કેન્ટ વિધાનસભાના ધારાસભ્ય અશોક રોહાની ઘાયલોને જોવા માટે ઓર્ડિનન્સ ફેક્ટરી, ખમરિયા સ્થિત હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે જબલપુરની સુરક્ષા સંસ્થા ઓર્ડિનન્સ મેન્યુફેક્ચરિંગ ખમરિયામાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં બે લોકોના મોતની માહિતી છે. એક ડઝન જેટલા કર્મચારીઓ દાઝી ગયા છે. ત્રણની હાલત નાજુક છે, જેમને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બોમ્બ ભરવા દરમિયાન આ વિસ્ફોટ થયો હતો.
ફેક્ટરીના F-6 વિભાગના 200 ભવનમાં બોમ્બ ભરવાની પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોલિક સિસ્ટમમાં કથિત રીતે ખામી સર્જાઈ હતી, જેના કારણે એટલો શક્તિશાળી વિસ્ફોટ થયો કે ફેક્ટરીથી પાંચ કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો. ફેક્ટરીની નજીક રહેતા રહેવાસીઓએ કહ્યું કે, તેઓને લાગ્યું કે ભૂકંપ આવ્યો છે અને ઘણા લોકો તેમના ઘરની બહાર પણ દોડી આવ્યા. ફેક્ટરીના જનરલ મેનેજર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
આ પણ વાંચો :-