અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ચોખાબજાર પાસે આજે સવારે BRTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી. ચાલુ બસે આગ લાગતા તાત્કાલિક ડ્રાઈવરે બસ ઊભી રાખી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. આગ લાગવાનું કારણ અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોય તેવું જાણવા મળ્યું નથી. આગ લાગવાના કારણે પ્રેમ દરવાજા અને દરિયાપુર તરફથી કાલુપુર તરફ જવાનો રોડ 30 મિનિટ માટે બંધ કરવો પડ્યો હતો. ટ્રાફિકના કારણે ફાયર બ્રિગેડની ટીમને પણ પહોંચતા 10 મિનિટ મોડું થયું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

BRTS બસ નંબર J55 જે ભાડોજથી નરોડા જાય છે. બસમાં આગ લાગી તે સમયે 10 મુસાફરો બસમાં બેઠા હતાં. જોકે, ચાલુ બસમાં પાછળના ભાગમાં સ્પાર્ક થતાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. ડ્રાઇવરને આ વિશે જાણ થતાં તેણે તુરંત જ બસને રસ્તાની બાજુમાં રોકી તમામ મુસાફરોને નીચે ઉતારી દીધાં.
મળતી માહિતી પ્રમાણે આજે સવારે ફાયર બ્રિગેડની ટીમને કોલ મળ્યો હતો કે, પ્રેમ દરવાજાથી કાલુપુર તરફ જવાના રોડ પર ચોખાબજાર પાસે એક BRTS બસમાં આગ લાગી છે. જેથી ફાયર સ્ટેશનમાંથી ત્રણ જેટલી ગાડીઓ રવાના કરવામાં આવી હતી. ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. BRTS બસ જ્યારે ચોખાબજાર પાસે પહોંચી ત્યારે બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. જેથી ડ્રાઈવરે તાત્કાલિક ધોરણે બસને ઊભી રાખી દીધી હતી અને દરવાજા ખોલી પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આગ લાગવાના કારણે આખી બસ બળીને ખાક થઈ ગઈ હતી.
આ પણ વાંચો :-