ગુજરાતમાં મેઘરાજાની જવામટ હજી પણ યથાવત રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસે તેવી શક્યતા છે. આગામી 2 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગે વાવાઝોડાને લઈને રાહતના સમાચાર આપ્યા છે. અરબ સાગરમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાયુ હોવાની માહિતી આપી છે. ગુજરાત પર વાવાઝોડાની શક્યતા નહીવત કરવામાં આવી છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે. આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરત અને મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત શરદ પૂનમના દિવસે વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 23 ઓકટોબર સુધી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વલસાડમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો :-