નવરાત્રીના આઠમા નોરતે રાજ્યના કેટલાક જિલ્લાઓણાં છૂટોછવાયો વરસાદ વરસતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે. આજે આઠમું નોરતું છે અને આવતી કાલે શુક્રવારે નવમું નોરતું છે ત્યારે મેઘરાજાએ ગરબા આયોજકોના આયોજનમાં ખલેલ પહોંચાડી છે. હાલમાં દિવસોમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે રમી રહ્યા છે પરંતુ ખેલૈયાઓ માટે આજનો દિવસ ચિંતાનો બની ગયો છે. કારણ કે આજે વરસાદે ખેલૈયાઓનો ખેલ બગાડી દીધો છે.
આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થયું છે. ભરૂચ-જંબુસર, સાબરકાંઠા, અમરેલી, ગીર સોમનાથ, કોડીનાર અને ભાવનગરમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદના પગલે માર્કેટિંગ યાર્ડના શેડ નીચે પાણી વહેતું થયું છે. જે બાદ તાત્કાલિક ધોરણે વેપારીઓ દ્વારા પાણી હટાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ત્યાં જ કોડિનારમાં પડેલા અનરાધાર વરસાદ બાદ એસટી ડેપોમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
નવસારી જિલ્લામાં આઠમના નોરતે ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં નવસારીના ગણદેવી, બીલીમોરા અને ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે જ્યાં જ્યાં ગરબાનું આયોજન કરાયું હતું ત્યાં પાણી ભરાયા છે અને હવે ગરબા આયોજકો મુંજવણમાં મૂકાયા છે. ત્યાં જ વલસાડ તાલુકામાં લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.
અંબાલાલ પટેલે કહ્યું કે આજના દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જોકે સારા એવા વરસાદ બાદ અહીં ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે, ભારે પવન સાથે પડેલા વરસાદ બાદ ગરબા સ્થળોએ કીચડ જેવી સ્થિતિ બની છે, જેથી ખેલૈયાઓ અહીં આવશે કે નહીં તેને લઈ આયોજકો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
આ પણ વાંચો :-