- લગ્ન માટે ૧૮ થી ૨૧ની ઉંમર આદર્શ ગણાય, આ ઉમરે હૃદયમાં સમર્પણભાવ હોય છે અને બુદ્ધિ હાવી થતી નથી
- બુદ્ધિ બળવત્તર નહીં હોવાથી એકબીજાને હૃદયભાવથી સમર્પિત થઈજાય છે અને સંસારરથ એકબીજાના ભરોસે અને વિશ્વાસ મુકીને દોડતો થઈ જાય છે અને આડુંઅવળુ જોવાનો વિચાર સુધ્ધાં આવતો નથી
- અમદાવાદ છારોડી ગુરૂકુળના ઉપક્રમે સુરતમાં અદ્ભુત ‘‘વિચાર ગોિષ્ઠ’ કાર્યક્રમ યોજાયોઃ સાડા ત્રણ કલાક પછી પણ લોકોને કાર્યક્રમ અધૂરો લાગતો હતો
- પો.કમિ.અનુપમસિંહ ગેહલોત પણ ચર્ચાનો હિસ્સો બન્યા ,તેમણે કોઇને નડવાનું બંધ કરવાની વાત કરીને ટૂંકા શબ્દોમાં ઘણું ઘણું કહી દીધું
- માધવપ્રિયદાસજી સ્વામીએ પણ લગ્નજીવન ટકાવી રાખવા માટે અદ્ભુત વાતો કરી અને ભારતીય વૈદિક લગ્ન પરંપરાને શ્રેષ્ઠ ગણાવી સપ્તપદીનો છેલ્લો શ્લોક ‘‘સખે… સપ્તપદા ભવ’’ ટાંકીને મિત્રભાવે જીવન જીવવાનો સાર બતાવ્યો
બે દિવસ પહેલા સુરતના વરાછા વિસ્તારમાં એક ‘વિચારગોષ્ઠિ’નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ છારોડી ખાતેના સ્વામિનારાયણ ગુરૂકુળ વિશ્વવિદ્યાલય એટલે કે એસજીવીપીના નામથી ઓળખાતી સંસ્થાના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામી સુરતનાં ઉદ્યોગ-અગ્રણી અને રાજ્યસભાના સભ્ય ગોવિંદ ધોળકિયા અને પો.કમિ. અનુપમસિંહ ગેહલોત મુખ્ય વક્તા હતા. પ્રથમ નજરે ‘વિચારગોષ્ઠિ’ કાર્યક્રમ સાવ સહજ અને ઔપચારિક લાગતો હતો, પરંતુ સતત સાડા ત્રણ કલાક સુધી ચાલેલો કાર્યક્રમ પૂરો થયો ત્યારે પણ અધૂરો લાગતો હતો.
કોઈ ગીત, સંગીત કે ભજન નહીં પરંતુ માત્ર ચર્ચા અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ અદ્ભુત હોઈ શકે એવું કદાચ પહેલી વખત બન્યું હશે. સરદાર સ્મૃતિ ભવનની બેઠક ક્ષમતા લગભગ ૧૨૫૦ લોકોની છે, પરંતુ ૧૩૦૦ કરતાં વધારે લોકો હોલમાં હતા અને કેટલાંક બાજુમાં ઊભા હતા. જ્યારે અસંખ્ય લોકો ફેસબુક અને વોટ્સઅપનાં માધ્યમથી જોડાયા હતા.
માધવપ્રિયદાસજી સ્વામી માટે ‘ધર્મ અને વ્યવહાર’ વિષય હતો. જ્યારે ગોવિંદ ધોળકિયા એટલે કે ગોવિંદકાકા માટે ‘ધર્મ અને વ્યાપાર’ વિષયની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ પ્રશ્નોત્તરી દરમિયાન વિષય ભુલાઈ ગયા હતા અને સાંપ્રત સમસ્યા અને સમાજજીવનની ચિંતાઓના પ્રશ્નોની હારમાળા શરૂ થઈ હતી. લોકોએ કેટલાક પ્રશ્નો એવા રજૂ કર્યા હતા કે, વક્તાઓ માટે જવાબ આપવાનું મુશ્કેલ થઈ ગયું હતું, પરંતુ હિંમત હાર્યા વગર કે સંકોચ રાખ્યા વગર બંને વક્તાઓએ દિમાગનાં રસ્તા ખુલી જાય એવા જવાબ આપ્યા હતા.
ગોવિંદકાકા આમ પણ સ્પષ્ટ અને રમૂજ કરનાર વક્તા છે. તેમણે સાંસારિક અને સમાજજીવનની વર્તમાન પેઢીને મુંઝવતી સમસ્યાઓ વિશે વિગતે વાત કરીને આપણી પુરાતન પ્રણાલીઓને યથાર્થ ઠેરવી હતી. આજકાલ સંતાનો અને મા-બાપ વચ્ચે વધતી જતી ખાઈ, તૂટતા જતાં પરિવારો, છૂટાછેડાનું વધતું જતું પ્રમાણ વગેરે મુદ્દે સાવ સરળ, પરંતુ દિમાગમાં ઊતરી જાય એવી વાતો કરી હતી. ગોવિંદકાકાએ સ્પષ્ટતા કરી હતી કે, હું ઓછું ભણ્યો છે, પરંતુ અનુભવે ઘડાયો છે. તેમણે દાયકાઓ પૂર્વેનાં સમાજજીવનનાં ઉદાહરણો આપીને એક વાત સરસ કરી હતી કે, વધતી ઉંમરની સાથે હૃદય અને બુદ્ધિમાં પણ પરિવર્તન આવે છે. ગોવિંદકાકાએ ફોડ પાડીને વાત કરતાં કહ્યું હતું કે, ચોક્કસ વયમર્યાદામાં લગ્નસંસાર મંડાયો હશે એટલે કે લગ્ન થયા હશે તો આવાં લગ્નો ભાગ્યે જ તૂટતાં હોય છે. તેમણે લગ્નની વયમર્યાદા ૧૮ થી ૨૧ની ગણાવી હતી. આ એક એવી ઉંમર છે કે, જ્યારે હૃદયમાં સમર્પણભાવ હોય છે. આ ઉંમરે બુદ્ધિ બળવત્તર બનતી નથી. એટલે ‘મને આ ગમે છે’ અને ‘આ નથી ગમતું’ એવા પ્રશ્નો ઊભા થતા નથી અને બંને વ્યક્તિ હૃદયભાવથી એકબીજાને સમર્પિત થઈ જાય છે. મતલબ બુદ્ધિ બળવત્તર બંને ત્યાર પહેલા સંસારરથ એકબીજાનાં ભરોસે દોડતો થઈ જાય છે અને આડુંઅવળું જોવાની તક મળતી નથી. વળી, યોગ્ય ઉંમરનાં લગ્ન સમયે સંયુક્ત કુટુંબ હોવાથી સંયુક્ત પરિવારની ભાવનામાં ઉછરેલા લગ્નજીવનમાં ભંગાણ પડવાના ખૂબ જ ઓછા સંજોગો બનતા હોય છે. સામાજિક સર્વે કરવામાં આવે તો આ વાતનાં સકારાત્મક પુરાવા જાણવા અનુભવવા મળશે.
પ્રશ્નો અને પેટા પ્રશ્નોના મારા વચ્ચે ગોવિંદકાકાએ હાલનાં સંજોગોમાં છૂટાછેડાના વધી રહેલા પ્રમાણ અંગે અંગુિલનિર્દેશ કરતાં કહ્યું હતું કે, ખૂબ મોટી ઉંમરે લગ્ન થવાનું આજના છૂટાછેડા પાછળનું મૂળ કારણ માની શકાય. કારણ કે, ૨૫ થી ૩૦ વર્ષ પછીની ઉંમરે હૃદયભાવ ઉપર બુદ્ઘિભાવ હાવી થઈ જાય છે. ઘણી વખત કારણ સાવ સહજ હોય છે, પરંતુ બંને પક્ષે અહંકારનો ટકરાવ, એકબીજા પ્રત્યે નહીં ઝૂકવાનો ભાવ લડાયક બનીને આખરે ઘરસંસારને તોડી નાંખે છે. પારિવારિક સંબંધો માટે પણ ઘણી વખત ઘાતક પુરવાર થાય છે.
ગોવિંદકાકાએ ખુબ જ સરસ સુઝાવ આપતા કહ્યું હતું કે, આપણી થોડાં વર્ષો પૂર્વેની પરંપરાગત સંસ્કૃતિ પ્રમાણે જીવનનો ક્રમ જાળવી રાખવામાં આવે તો પારિવારિક જીવનમાં દુઃખી થવાના સંજોગો ઓછા થશે.
તેમણે આગળ વધીને કહ્યું હતું કે, વર્તમાન મોબાઈલ ફોન અને ઈન્ટરનેટનાં યુગમાં ભારતવિરોધી સત્તાઓ દ્વારા કુમળી વયનાં બાળકોને મુખ્ય લક્ષ્યાંક કે ટાર્ગેટ બનાવાય છે. અત્યાર સુધી બહાર આવેલા મોટાભાગનાં બનાવોમાં કુમળી વયનાં એટલે કે ૧૬ થી ૨૦ વર્ષનાં બાળકોને નિશાન બનાવાયાં છે. આ એવી ઉંમર છે કે, બાળકને નશાના અને ગુનાખોરીનાં રવાડે આસાનીથી ચઢાવી શકાય છે. મતલબ વાલીઓએ પોતાનાં સંતાનોની ૧૫ થી ૨૦ વર્ષની વય દરમિયાન ખૂબ જ કાળજી લેવી જોઈએ. ગોવિંદકાકાએ ધર્મ અને વ્યાપાર સંદર્ભે પ્રામાણિકતા અને સત્યનાં સિદ્ધાંતોને વળગી રહેવાથી વેપારમાં ચોક્કસ વૃદ્ધિ થવાનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે કેટલાંક દાખલા પણ ટાંક્યા હતા. તેમણે પોતાનાં શાળાકીય એટલે ગ્રામ્ય જીવનથી શરૂ કરીને SRK એટલે કે શ્રી રામકૃષ્ણ ડાયમંડ સંસ્થાનાં વટવૃક્ષ અંગેની ચડતી-પડતીની અનેક વાતો કરી હતી.
માધવપ્રિયદાસજી સ્વામીએ ધર્મ અને વહેવાર વચ્ચેની ભેદરેખા ખૂબ જ સરળ શબ્દોમાં વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે, વ્યવહારમાં જ ધર્મ સમાયેલો છે. તમે કોઈપણ કર્મ કરો પરંતુ તેમાં તમારા પડોશીનો ખ્યાલ રાખો એટલે જ ધર્મ.
માધવપ્રિયદાસજી સ્વામીએ એક પરિવારમાં પડેલી બીમાર દીકરીની સારવારમાંથી સાકાર થયેલી હોસ્પિ.ના નિર્માણનો દાખલો આપતાં કહ્યું હતું કે, એક પરિવારની દીકરી િમનાક્ષી બીમાર પડી હતી અને માતા-પિતાની પ્રાર્થના અને તબીબોની સારવારને કારણે દીકરી સારી થઈ ગઈ, પરંતુ અન્ય પરિવારોમાં ઉછરી રહેલી મિનાક્ષી જેવી દીકરીઓની ચિંતામાં માતા-પિતાએ આખી હોસ્પિ.નું નિર્માણ કર્યું. આ જ ઘટના વ્યવહારમાં સમાયેલા ધર્મનો પ્રત્યક્ષ પુરાવો છે. મીનાક્ષીનાં માતા-પિતા એટલે બીજું કોઈ નહીં ગોવિંદકાકા અને ચંપાબેન!!
માધવપ્રિયદાસજી સ્વામીએ િમનાક્ષીની બીમારી અને માતા-પિતા ગોવિંદકાકા અને ચંપાબેનનાં કર્મને વર્ણવીને સાવ સરળ ભાષામાં જીવંત ઉદાહરણ સાથે ધર્મ અને વ્યવહાર વચ્ચેની ભેદરેખા સમજાવી હતી.
કુટુંબભાવના ટકાવી રાખવા કોઈપણ પ્રકારની ગણતરી, અપેક્ષા રાખ્યા વગર પરિવારને પ્રેમ કરતા રહેશો તો ક્યારેય પરિવાર નહીં તૂટે અને જેનો પરિવાર અડીખમ હશે એ પરિવારના સભ્યો ક્યારેય પણ કુમાર્ગે નહીં જાય. માધવપ્રિય શાક-દાળના વઘારનું ઉત્તમ ઉદાહરણ આપતા કહ્યું હતું. કે વઘારમાં ઉપયોગમાં લેવાતા મરચુ, હળદર, મીઠુ, તજ-લિવંગ, એલચી, લીંબુ, મરી મસાલા દરેકના સ્વાદ એટલે સ્વભાવ અલગ હોય છે. પરંતુ જ્યારે ‘વઘાર’ થાય છે ત્યારે આપણે જમતી વખતે આંગળા પણ ચાટી જઇએ છીએ. પરિવારમાં પણ આવી જ ઐક્યની ભાવના હશે તો કદાિપ ઘર, પરિવારો નહીં તૂટે.
સુખી દામ્પત્યજીવન અંગે માધવપ્રિયદાસજી સ્વામીએ કહ્યું હતું કે, ભારતીય લગ્નવ્યવસ્થા પ્રમાણે લગ્નજીવન મિત્રભાવે જીવવામાં આવે તો ક્યારે કડવાશ નહીં આવે. આપણા લગ્ન સંસ્કારમાં સપ્તપદીનાં છેલ્લા મંત્રમાં ‘સખે… સપ્તપદા ભવ’ કહેવામાં આવે છે. આ મંત્રને અનુસરવામાં આવે તો લગ્નજીવન મધુર બની જશે. ક્યારેય પણ આડુંઅવળું જોવાનું મન નહીં થાય.
‘વિચારગોષ્ઠિ’ના પ્રારંભે પો.કમિ. અનુપમસિંહ ગેહલોતે પણ ટૂંકી, પણ અદ્ભુત વાત કરી હતી.
તેમણે કાયદો, વ્યવસ્થા અને સમાજવ્યવસ્થાની વાતો કરીને અંતે કહ્યું હતું કે, તમે કોઈને પણ નડવાનું બંધ કરો એટલે ધર્મ, વ્યવહાર બધું જ આવી જશે.