બાંગ્લાદેશમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને ન્યાયતંત્રના વડા પદેથી રાજીનામું આપી દીધું છે. પ્રદર્શનકારીઓએ શનિવારે ઢાકામાં સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો હતો. આ પછી, મુખ્ય ન્યાયાધીશ સહિત તમામ ન્યાયાધીશોને બપોરે 1 વાગ્યા સુધીમાં રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું.
ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટ સંકુલમાં પત્રકારોને જણાવ્યું હતું કે, તેમણે ઉભરી રહેલી પરિસ્થિતિ વચ્ચે દેશભરની સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નીચલી અદાલતોના ન્યાયાધીશોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.
સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો પણ રાજીનામું આપશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ચીફ જસ્ટિસે કહ્યું કે, આ તેમનો નિર્ણય છે. દેખાવકારોએ ચેતવણી આપી હતી કે જો તેઓ રાજીનામું નહીં આપે તો તેઓ ન્યાયાધીશો અને મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસનના નિવાસસ્થાનો પર હુમલો કરશે. શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ ત્યાં મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં નવી સરકાર બની છે.
ચીફ જસ્ટિસે નવી વચગાળાની સરકાર સાથે ચર્ચા કર્યા વિના જ ફુલ-કોર્ટ બેઠક બોલાવી લીધી હતી, ત્યારબાદ વિદ્યાર્થીઓનો ગુસ્સો ભડક્યો હતો. દેખાવકારોનો આરોપ છે કે, કોર્ટના જજો ષડયંત્રનો ભાગ છે. સ્થિતિને તણાવપૂર્ણ જોતા ફુલ-કોર્ટ બેઠક રદ કરવામાં આવી હતી. પરંતુ વિરોધીઓ સહમત ન થયા અને સુપ્રીમ કોર્ટનો ઘેરામ ચાલુ રાખ્યો. વિદ્યાર્થીઓએ ચીફ જસ્ટિસને પદ છોડવા માટે એક કલાકનો સમય આપ્યો હતો.
આ પણ વાંચો :-