સુપ્રીમ કોર્ટે અનામતમાં પણ અનામત અંગેનો એક આદેશ આપતાં હવે દેશભરના નેતાઓ દોડતાં થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ક્વૉટામાં સબ કેટેગરી બનાવવાની તરફેણમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. હવે આ સૌની વચ્ચે એસસી/એસટી સમુદાયના લોકસભા તથા રાજ્યસભાના સાંસદોનું ટેન્શન વધી ગયું છે અને તેઓ સંસદ ભવનમાં જ પીએમ મોદીને મળવા પહોંચી ગયા હતા.
આ તમામ સાંસદોએ સંયુક્તપણે SC/ST માટે ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી અંગે એક અરજી દાખલ કરી અને માંગણી કરી કે આ નિર્ણય આપણા સમાજમાં લાગુ ન થવો જોઈએ. આના પર પીએમ મોદીએ તેમને આશ્વાસન આપ્યું કે તેઓ આ મામલે વિચાર કરશે. એનડીએના સહયોગી એલજેપી (રામ વિલાસ)ના નેતાઓ ચિરાગ પાસવાન અને રામદાસ આઠવલેએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ મામલે ચિરાગ પાસવાને કહ્યું કે અમારી લોકજન શક્તિ પાર્ટી (રામ વિલાસ) આ નિર્ણય સામે અપીલ કરશે.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું, કે સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટના રોજ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે રાજ્યોને અનુસૂચિત જાતિઓમાં પેટા-શ્રેણી બનાવવાનો બંધારણીય અધિકાર છે જેથી જે જાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે તેમને પણ અનામત મળી શકે. દરમિયાન, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજ્યોએ પછાતપણું અને સરકારી નોકરીઓમાં યોગ્ય સંખ્યામાં પ્રતિનિધિત્વ અને યોગ્ય પ્રદર્શન ડેટાના આધારે જ પેટા-શ્રેણીઓ બનાવવાની રહેશે. ઈચ્છાશક્તિ કે રાજકીય લાભના આધારે નિર્ણય લેવામાં આવશે નહીં.