અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક નેતાઓની હત્યાનું મોટું કાવતરું નિષ્ફળ ગયું છે. ન્યૂયોર્ક શહેરમાં એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે, જે રાજકારણીઓને મારવા અમેરિકા આવ્યો હતો. આ વ્યક્તિના ઈરાનની સરકાર સાથે પણ સંબંધો છે, જે અમેરિકાને પોતાનો દુશ્મન માને છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, ન્યાય વિભાગે ધરપકડ કરાયેલા વ્યક્તિ પર રાજકીય હત્યાનું કાવતરું ઘડવાનો અને ઈરાની સરકાર સાથે સંબંધ હોવાનો આરોપ મૂક્યો છે. ધરપકડ કરાયેલા કથિત હત્યારાનું નામ આસિફ રઝા મર્ચન્ટ છે. જે અમેરિકન ધરતી પર તેના નેતાઓ અને અધિકારીઓને મારવા માટે આવ્યો હતો.
FBI ડિરેક્ટર ક્રિસ્ટોફર રે એ એક નિવેદનમાં જણાવ્યું કે, આ ખતરનાક હત્યાનું ષડયંત્ર કથિત રીતે ઈરાન સાથે ગાઢ સબંધ ધરાવનાર એક પાકિસ્તાની નાગિરિકે કરી હતી અને તે જાહેર રીતે ઈરાનની વ્યૂહનીતિનો હિસ્સો છે. કોઈ જાહેર અધિકારી અથવા કોઈ અમેરિકી નાગરિકને મારવાનું વિદેશી ષડયંત્ર દેશની સુરક્ષા માટે ખતરો છે.
કોર્ટના દસ્તાવેજો પ્રમાણે આસિફ મર્ચન્ટ એક પાકિસ્તાની નાગરિક છે. મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, તેનો જન્મ 1978ની આસપાસ કરાચીમાં થયો હતો. FBIએ જણાવ્યું કે, આસિફ મર્ચન્ટની પત્ની અને બાળકો ઈરાનમાં છે અને પાકિસ્તાનમાં તેનું વધુ એક પરિવાર છે. અમેરિકી જસ્ટિસ વિભાગે જણાવ્યું કે, તેના ટ્રાવેલ રેકોર્ડ પ્રમાણે આસિફ મર્ચન્ટ મોટા ભાગે ઈરાન, સીરિયા અને ઈરાક જતો હતો.
આસિફ રઝાએ હત્યા કરવા માટે જેમની નિમણૂક કરી હતી તેઓ FBI એજન્ટ હતા. FBI ન્યૂયોર્ક ફીલ્ડ ઓફિસના કાર્યકારી સહાયક નિર્દેશક ક્રિસ્ટી કર્ટિસે કહ્યું કે, “સદનસીબે, જે હત્યારાઓને આસિફ મર્ચન્ટે કથિત રીતે ભાડે રાખવાનો પ્રયાસ કર્યો હતો તે અંડરકવર FBI એજન્ટો હતા. આ મામલો ન્યુયોર્ક, હ્યુસ્ટન અને ડલાસમાં અમારા એજન્ટો, એનાલિસ્ટ અને પ્રોસિક્યુટર્સના સમર્પણ અને પ્રયત્નોને રેખાંકિત કરે છે.
ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લાના US એટર્ની બ્રાયન પીસે જણાવ્યું હતું કે, વિદેશમાં બીજા લોકો વતી કામ કરતી વખતે, મર્ચન્ટે અમેરિકન ધરતી પર US સરકારના અધિકારીઓની હત્યાની યોજના બનાવી હતી. આ મામલો દર્શાવે છે કે આ ઓફિસ અને US ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અમારા દેશની સુરક્ષા, અમારા સરકારી અધિકારીઓ અને અમારા નાગરિકોને વિદેશી જોખમોથી બચાવવા માટે તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લેશે.
આ પણ વાંચો :-