યુવા ભારતીય શૂટર મનુ ભાકર બુધવારે સવારે ભારત આવી પહોંચી છે. નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેના ઘરે પરત ફરવા પર ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતાને જોવા મોટી સંખ્યામાં ફેન્સ એકઠા થયા હતા.
પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિક ટુર્નામેન્ટમાં શૂટિંગ ઈવેન્ટમાં બે કાંસ્ય પદક જીતી જનાર મનુ ભાકરે આજે ભારત પહોંચ્યા બાદ જણાવ્યું હતું કે, હરિયાણા તેના ઉપર ગર્વ કરશે. મનુ ભાકર વિમાન મથકની બહાર આવી ત્યારે ખુલ્લી જીપમાં તેની સાથે તેના કોચ જસપાલ રાણા પણ હતા. ઉપસ્થિત ચાહકોએ બંનેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
મનુ વિમાન મથકની બહાર આવી ત્યારે ચાહકોએ તેના સમર્થનમાં ઢોલ-નગારાં વગાડ્યાં હતા, ચાહકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના સૂત્રો પણ પોકાર્યા હતા. મનુ હાલ પરત આવી ગઈ છે પરંતુ ઓલિમ્પિકના સમાપન સમારંભમાં ભારતીય ટુકડીનું સુકાન તેને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાને કારણે મનુ રવિવારે પેરિસ પરત જશે.
પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે મહિલાઓ માટેની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતીને હાલની ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. ત્યારબાદ 10 મીટર મિક્સ એર પિસ્તોલ સ્પર્ધામાં સરબજોત સિંહની સાથે મળીને વધુ એક કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો. આ પછી તે મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં છેક જીતની નજીક પહોંચી ગઈ હતી અને ત્રીજો મેડલ જીતીને ઇતિહાસ બનાવી શકે તેમ હતી, પરંતુ સાવ સાધારણ અંતરથી તે નિશાન ચૂકી જતાં ત્રીજો મેડલ જીતી શકી નહોતી.
આ પણ વાંચો :-