છેલ્લા બે દિવસના ભારે ઘટાડા બાદ શેરબજારમાં આજે (6 ઓગસ્ટે) જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. શરૂઆતના ટ્રેડમાં નિફ્ટી અને સેન્સેક્સમાં એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1,092.68 પોઇન્ટના જંગી વધારા સાથે 79,852.08 પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી 327 પોઇન્ટના વધારા સાથે 24,382.60 પર મજબૂત ટ્રેડ કરી રહ્યો છે.

અમેરિકામાં મંદીના ડર વચ્ચે છેલ્લા સત્ર દરમિયાન વિશ્વભરના બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જો કે આજે એશિયાઈ બજારોમાં જોરદાર રિકવરી જોવા મળી હતી, જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં આજે (6 ઓગસ્ટ) સેન્સેક્સ 222.57 પોઈન્ટ અથવા 0.28 ટકાના વધારા સાથે 78,981.97 પર ખુલ્યો છે, જ્યારે નિફ્ટી પણ 134.25 પોઈન્ટ અથવા 0.28 ટકાના વધારા સાથે 24,189.85 ગ્રીન સીગ્નલ પર ખુલ્યો છે.
ગઈકાલે માર્કેટ કડડભૂસ થવા સાથે રોકાણકારોની મૂડી 15.38 લાખ કરોડ ઘટ્યા બાદ આજે મૂડી 3 લાખ કરોડ વૃદ્ધિ સાથે ખોટ થોડાક અંશે સરભર થઈ છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈ ખાતે ટ્રેડેડ 3786 શેર્સ પૈકી 2495 શેર્સમાં સુધારો અને 1132માં ઘટાડો જોવા મળ્યો છે. આજે 207 શેર્સમાં અપર સર્કિટ અને 191 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. 156 શેર્સ વર્ષની ટોચે અને 23 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. સેન્સેક્સ પેકમાં 30 સ્ક્રિપ્સ પૈકી 21માં 2.32 ટકા સુધી ઉછાળો જ્યારે નવ શેર્સમાં 1 ટકા સુધીના ઘટાડે ટ્રેડ થતાં જોવા મળ્યા છે.
આ પણ વાંચો :-