ઘણી વખત લોકો લગ્નમાં લખલૂટ ખર્ચ કરતા હોય છે તેમજ પોતાના લગ્નની કંકોત્રી પણ આકર્ષણ લાગે તે માટે મોટો ખર્ચ કરતા હોય છે એવામાં સુરતમાં રહેતા એક બેંક કર્મચારીએ પોતાના લગ્નની અનોખી કંકોત્રી છપાવી છે. આ કંકોત્રી અનોખી એટલા માટે છે કારણ કે આ કંકોત્રીમાં લોકોને સાયબર ફ્રોડથી કેવી રીતે સાવચેત રહેવું તેમજ સાયબર ફ્રોડનો ભોગ બનો તો શું કરવું વેગેરે માહિતી અપાઈ છે આ ઉપરાંત ટ્રાફિક અવેરનેસનો પણ મૅસેજ પણ અપાયો છે.
સુરતમાં બેંકમાં કામ કરતા સાગર કાજાવદરા અને નેન્સીના લગ્ન 9 માર્ચ 2025ના રોજ છે. લગ્ન માટે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે આ બધા વચ્ચે લોકોને જાગૃત કરતી કંકોત્રી તેઓએ છપાવી છે જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે, આ લગ્નની કંકોત્રીમાં સાયબર ફ્રોડ વિશે અને ટ્રાફિક અવેરનેસનો પણ મેસેજ પણ અપાયો છે.
માહિતી અનુસાર,ટેકનોલોજીના આ યુગમાં સાયબર ફ્રોડના બનાવો સામે આવી રહ્યા છે. ઘણી વખત સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકો પોતાના જીવનભરની મૂડી પણ ગુમાવી બેસે છે તો બીજી તરફ ઘણી વખત ટ્રાફિકનિયમના ભંગ અને ઓવરસ્પીડના કારણે અકસ્માતમાં લોકોના જીવ પણ જાય છે. અવારનવાર આવી ઘણી ફરિયાદો મળતી હોવાથી સાગર હંમેશા વિચારતો હતો કે, સાયબર ફ્રોડથી લોકો વાકેફ થાય એવું કંઈક કરવું જોઈએ. જેથી તેણે તેના લગ્નના કાર્ડમાં સાયબર છેતરપિંડીથી બચવા માટેના નિયમો જણાવ્યાં છે.
સાગરભાઈએ જણાવ્યું હતું કે મેં મારા લગ્નની કંકોત્રી ટ્રાફિક અને સાયબર ક્રાઈમને લગતી છપાવી છે. રોજબરોજ સાયબર ક્રાઈમ લોકો સાથે થાય છે આ ઉપરાંત પોલીસ અને સરકાર ટ્રાફિકને લઈને કામગીરી તો કરી જ રહી છે પણ લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. જેથી આ કંકોત્રી થકી એક સામાજીક મેસેજ જાય અને લોકોમાં જાગૃતતા આવે તે માટે આ કંકોત્રી છપાવી છે.
વધુમાં જણાવ્યું હતું કે હું પોતે બેંકમાં કામ કરું છું, મને ખ્યાલ છે કે જે રોજનું કમાઈને રોજનું ખાય છે તેવા સામાન્ય લોકો પણ સાયબર ફ્રોડનો ભોગ બને છે. અને ગણતરીની સેકન્ડમાં તેઓમાં જાગૃતતા ના હોવાના કારણે તેઓની મૂડી જતી રહેતી હોય છે જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે અને લોકો સાયબર ક્રાઈમનો ભોગ ના બને તે માટે લોકોને સામાજિક સંદેશો આપતી લગ્નની કંકોત્રી છપાવી છે.
- ઓનલાઇન નાણાકીય ફ્રોડ કે અન્ય સાયબર ક્રાઈમ થાય તો 24 કલાક કાર્યરત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો.
- સાયબર ક્રાઇમથી બચવા પિન, OTP, CVV કે QR કોડ અજાણ્યાને ન આપવો.
- કોઈ કાર્ડ, સિમ કાર્ડ વેલિડિટી, KYC રિન્યુ, ખાતું ચાલુ/બંધ/એક્ટિવ વગેરે માટે કોલ કે મેસેજ પર જવાબ આપવાનો ટાળો.
- પાસવર્ડ યુનિક રાખો અને રેગ્યુલર બદલતા રહો. વેબસાઈટમાં https ખાસ જુઓ.
- સોશિયલ મીડિયા પર અંગત માહિતી શેર ન કરવી.
આ પણ વાંચો :-