જમ્મુ-કાશ્મીર પોલીસે આજે ડોડા જિલ્લામાં સક્રિય ત્રણ આતંકવાદીઓના સ્કેચ જારી કર્યા છે અને તેમની ધરપકડ માટે સૂચના આપવા પર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, ત્રણ આતંકવાદીઓના સ્કેચ જારી કરવામાં આવ્યા છે જે ડોડા અને દેસા વિસ્તારના ઉપરના વિસ્તારમાં ફરી રહ્યા છે. પોલીસે કહ્યું કે, ત્રણેય આતંકવાદીઓ દેસાના ઉરાર બાગી વિસ્તારમાં તાજેતરમાં થયેલી આતંકી ઘટનાઓમાં સામેલ હતા અને તેમની ધરપકડ કરવા સૂચના આપવા પર 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં 16 જુલાઈના રોજ આતંકી હુમલો થયો હતો, જેમાં એક કેપ્ટન અને અન્ય ત્રણ સેનાના જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના શેડો ગ્રુપ ‘કાશ્મીર ટાઈગર્સ’ દ્વારા લેવામાં આવી હતી. ડોડા ઉરારી બાગી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર દરમિયાન આ ઘટના બની હતી. ફાયરિંગમાં બે જવાન ઘાયલ પણ થયા હતા.
પ્રવક્તાએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર પોલીસે ત્રણેય આતંકવાદીઓ પર પાંચ-પાંચ લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, સ્થાનિક લોકોને આ આતંકવાદીઓ અંગે જાણકારી આપવાનો આગ્રહ કર્યો છે. પોલીસે લોકોને ખાતરી આપી છે કે, જાણકારી આપનાર લોકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસે વરિષ્ઠ અધિકારીઓ અને કંટ્રોલ રૂમના ફોન નંબર સહિત એક ડર્ઝનથી વધુ ફોન નંબર શેર કર્યા છે જેથી લોકો સંપર્ક કરી શકે.
આ પણ વાંચો :-