વડોદરામાં બુધવારે પડેલા વરસાદે 2019 ના દ્રશ્યોની યાદ તાજા કરી દીધી હતી. 31 જુલાઈએ વડોદરામાં 24 જ કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો અને તેના કારણે વડોદરાનો મોટા ભાગનો હિસ્સો પાણીમાં ગરકાવ થયો હતો. આ જ પ્રકારના દ્રશ્યો આજે 9 થી 10 ઈંચ વરસાદમાં જોવા મળ્યા હતા.
વડોદરામાં ભાવે વરસાદને પગલે શાળાઓ બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ અંગેનો આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષણાધિકારી આર આર વ્યાસે આદેશ કર્યો છે કે, ગુરુવારે તમામ શાળાઓને બંધ રાખવામાં આવશે. વડોદરા શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

ભારે વરસાદની સ્થિતિને પગલે સમીક્ષા કરીને આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ જિલ્લા અને શહેરની તમામ પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આમ 25 જુલાઈએ તમામ સરકારી અને બીન સરકારી શાળાઓ બંધ રાખવામાં આવશે.
વડોદરા જિલ્લાના પાદરા અને વડોદરા તાલુકા ઉપરાંત નર્મદાના તિલકવાડા તાલુકામાં ૮ ઈંચથી વધુ, જ્યારે ભરૂચ તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ તાલુકામાં અને છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં ૬ ઈંચથી વધુ વારસદા વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૩ ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૭૫ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૭૩ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ૬૩ ટકાથી વધુ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૨ ટકાથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ૨૯ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો :-