સુપ્રીમકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત લિકર પોલિસી કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના કેસમાં વચગાળાના જામીન આપી દીધા. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી ત્રણ જજોની મોટી બેન્ચને મોકલી દીધો હતો અને કેસની સુનાવણી ન પતે ત્યાં સુધી કેજરીવાલના જામીન મંજૂર કર્યા હતા.
કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળવાને જ્યાં આપ તેની મોટી જીત માની રહી છે ત્યાં ભાજપે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ભાજપે કહ્યું કે કેજરીવાલને માત્ર વચગાળાના જામીન મળ્યાં છે, તેમની સામેના કેસ પાછા ખેંચી લેવાયા નથી. ભાજપના નેતા વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે વચગાળાના જામીનનો અર્થ એ નથી કે તમારી સામેના કેસ પાછા ખેંચી તમને અપરાધમુક્ત કરી દેવાયા છે. કેજરીવાલે જે રીતે લિકર પોલિસીમાં કૌભાંડ કર્યું છે, ચોરી કરી છે એ જ રીતે આગામી સ્કેમ વીજ બિલનું છે જેમાં દિલ્હીની પ્રજાને લૂંટવાનું કાવતરું ઘડાયું છે.
કેજરીવાલના વકીલ વિવેદ જૈને જણાવ્યું કે CBI કેસમાં ૧૮ જુલાઇએ દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી છે. આ કેસમાં ચુકાદો આવ્યા બાદ જ ખબર પડશે કે શું કેજરીવાલ જેલમાં જ રહેશે કે પછી બહાર આવશે? જોકે, કેજરીવાલના જેલમાંથી બહાર આવવાની શક્યતા વધુ પ્રબળ છે. કેજરીવાલને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોતાનું રિએક્શન આપ્યું હતું.
સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા બાદ ભાજપના નેતા આર.પી. સિંહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે પરંતુ કેસને ફગાવી દેવામાં આવ્યો નથી. કેજરીવાલ સામે કેસ આગળ વધશે. ED, CBI પાસે પુરાવા છે અને પુરાવાના આધારે કેસ ચલાવવામાં આવશે.
આ પણ વાંચો :-