જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં છુપાયેલા આતંકવાદીઓએ સેનાની ગાડી પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ પણ ફેંક્યો, જેમાં ૫ જવાન શહીદ થયા છે અને ૬ જવાન ઘાયલ થયા છે. ભારતીય સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ હજુ પણ ચાલુ છે. આ સાથે સેનાએ મોટા પાયે શોધખોળ અભિયાન ચલાવ્યું છે.
આ મામલે માહિતી આપતા એક સંરક્ષણ અધિકારીએ કહ્યું, “કઠુઆના માચેડી વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય સેનાના ચાર જવાન શહીદ થયા છે, જ્યારે એટલા જ જવાન ઘાયલ થયા છે. જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. વિસ્તૃત માહિતીની રાહ જોવાઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રારંભિક હુમલા બાદ આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો અને પછી ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી પરંતુ આતંકવાદીઓ નજીકના જંગલમાં ભાગી ગયા.
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ૬ આતંકવાદીઓ માર્યા ગયાના એક દિવસ બાદ આજનો હુમલો થયો છે. શનિવારથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં એક પેરા-ટ્રૂપર સહિત બે જવાન શહીદ થયા હતા અને અન્ય એક જવાન ઘાયલ થયો હતો.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં અનેક આતંકી હુમલા થયા છે. ગયા મહિને, રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેના કારણે તે ખાઈમાં પડી ગઈ હતી અને નવ લોકોના મોત થયા હતા. આ પછી તરત જ બે સશસ્ત્ર આતંકવાદીઓ એક ગામમાં ઘૂસી ગયા અને ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એક જવાન શહીદ થયો.
આ પણ વાંચો :-