T20 વર્લ્ડ કપ ૨૦૨૪નું ટાઇટલ જીતીને ટીમ ઈન્ડિયાએ આજે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. PM મોદીને મળવા માટે ટીમ ઈન્ડિયાના તમામ સભ્યો લોક કલ્યાણ માર્ગ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે વડાપ્રધાનને ટ્રોફી સોંપી હતી. PM સાથે ટીમ ઈન્ડિયાની આ મુલાકાતનો વીડિયો બહાર આવ્યો છે. દોઢ મિનિટના આ વીડિયોમાં વડાપ્રધાન મોદી ટીમ ઈન્ડિયાના સભ્યો સાથે વાત કરતા જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ૭ લોક કલ્યાણ માર્ગથી રવાના થઈ હતી. ૨૯ જૂને બાર્બાડોસમાં T૨૦ વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા આજે સવારે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી.
T૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો અને બીજી વખત આ ફોર્મેટનું ટાઈટલ જીત્યું છે. ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકા સામે ૭ રનથી જીત મેળવી હતી. આ પહેલા ભારતીય ટીમ ૨૦૦૭નો T૨૦ વર્લ્ડ કપ જીતી ચૂકી છે. તેમણે ODIમાં ૧૯૮૩ અને ૨૦૧૧નો વર્લ્ડ કપ જીત્યો છે. આ વખતે વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ T૨૦ ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.
વડાપ્રધાન મોદી વર્લ્ડ ચેમ્પિયન વિજેતા ટીમ ઈન્ડિયાને મળ્યા હતા. આ મીટિંગનો એક ખાસ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પીએમ મોદી ખેલાડીઓને મળતા, તેમની સાથે વાતચીત કરતા અને અનુભવો શેર કરતા જોઈ શકાય છે. વર્લ્ડકપ જીત્યા બાદ ખેલાડીઓની આ PM મોદી સાથે પ્રથમ મુલાકાત હતી.
ટીમ ઈન્ડિયાનો રોડ શૉ સાંજે ૫ વાગ્યે શરૂ થશે, આ રોડ શૉ લગભગ ૨ કલાક ચાલશે. વિજેતા ટીમનો આ રોડ શૉ નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ (NCPA)થી શરૂ થશે અને વાનખેડે સ્ટેડિયમ સુધી ચાલશે. આ પછી સાંજે ૭ વાગ્યાથી ૭:૩૦ દરમિયાન એક કાર્યક્રમ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.
આ પણ વાંચો :-