દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાલ તિહાર જેલના સળિયા પાછળ રહેવું પડશે. સુપ્રીમ કોર્ટે આજે કેજરીવાલની અરજી પર સુનાવણી કરી પરંતુ તેમને કોઈ રાહત મળી શકી નથી. સુપ્રીમ કોર્ટ હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની અરજી પર ૨૬ જૂને સુનાવણી કરશે. કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સોમવારે જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ એસવીએન ભાટીની બેંચ કેજરીવાલની હાઈકોર્ટના આદેશ સામેની અપીલ પર સુનાવણી કરી રહી હતી જેમાં જામીન પર વચગાળાનો સ્ટે આપવામાં આવ્યો હતો.
સુપ્રીમકોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતાં કેજરીવાલ અને તેમના વકીલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમારે પહેલા દિલ્હી હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચવી જોઈએ અને પછી જ અમારી પાસે આવો. સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે હાઈકોર્ટનો સ્ટે ન્યાયિક પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. તેના પછી જસ્ટિસ મનોજ મિશ્રએ કહ્યું કે હાઈકોર્ટ આજ-કાલમાં ચુકાદો આપવાની છે. તેના પર સિંઘવીએ કહ્યું કે જો જામીન રદ થશે તો અમારા અસીલ કેજરીવાલ ફરી જેલ જશે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલાં કેજરીવાલ દ્વારા દાખલ અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જ્યાં રાઉઝ એવન્યૂ કોર્ટના જામીનના નિર્ણય પર સ્ટે મૂકી દેવામાં આવ્યો હતો. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટીની બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન અરજદારે કહ્યું કે હાઈકોર્ટ તેમની અરજી એટલા માટે નથી સાંભળી રહ્યું કેમ કે આવો કેસ સુપ્રીમ કોર્ટમાં લંબિત છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતાં કહ્યું કે હાઈકોર્ટ તેની અરજી પાછી ખેંચી લે, પછી અમારી પાસે આવે.
આ પણ વાંચો :-