Thursday, Nov 6, 2025

પાવાગઢમાં તીર્થંકરની પ્રતિમા તૂટતાં જૈનો લાલધૂમ, જાણો વિરાગચંદ્રસાગર મહારાજે શું કહ્યું ?

3 Min Read

પાવાગઢ મહાકાળી મંદિરનાં જૂનાં પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી ૫૦૦ વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગઈકાલે (16 જૂન, 2024) બપોરે આ સમગ્ર ઘટનાની જાણ જૈન સમાજને થતાં સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયને સંબોધતા જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી.

આ સાથે જૈન મુનિએ આરોપ લગાવ્યો છે કે, દ્વેષબુદ્ધિથી કોઈએ મૂર્તિ તોડી પાડી છે. તો મોડીરાત્રે હાલોલમાં જૈન સમાજ પાવાગઢ પોલીસ મથકે એકઠો થતાં જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જૈન સમાજના આગેવાનોએ આવેદન આપી જિલ્લા SP તેમજ કલેક્ટર સાથે વાત કરતા તેમને પ્રતિમાઓને યથાસ્થાને મૂકી દેવાની ખાતરી આપતા મધ્યરાત્રે મામલો શાંત પડ્યો હતો.

પાવાગઢમાં જૈન તીર્થંકર ભગવાન નેમિનાથ સહિતની પ્રતિમાઓને તોડી નાખવામાં આવતા જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને પગલે વડોદરા સમસ્ત જૈન સંઘના અગ્રણીઓ વડોદરા કલેક્ટરના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને કલેકટરને આવેદનપત્ર આપીને પ્રતિમાઓને પુનઃ સ્થાપિત કરવામાં આવે અને આ કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

આચાર્ય વિરાગચંદ્રસાગર મહારાજે જણાવ્યું હતું કે, આ ઘટનાથી એક વ્યક્તિ નહીં, પરંતુ સમગ્ર દેશ વ્યથિત હોવો જોઇએ. કારણ કે, જૈન સમાજ અહિંસક અને દેશ અને વિશ્વને સમૃદ્ધ કરનારી છે. જૈન સમાજના પ્રત્યેક આચાર્ય-ભગવંતો વતી અમારો એક જ આદેશ છે કે, આ ઘટના જૈન શાસન અને ભારત દેશની અસ્મિતા ઉપર પ્રહાર છે. જ્યારે દેશમાં ગયેલી પ્રતિમાઓને પાછી લાવવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. લંડન અને સ્વિડનથી પ્રતિમાઓ પાછી આવતી હોય, ત્યારે ગુજરાતમાં આ પ્રકારની ઘટના નિંદનીય છે.

જિનપ્રેમ વિજયજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, ગૃહમંત્રીના પ્રયાસને સરાહીએ છીએ અને અમે તેમને આશીર્વાદ આપીએ છીએ કે, જે ન્યાય અપાવવાના માર્ગે તે ચાલી રહ્યા છે તેમાં તેમની મંઝિલ પર પહોંચે એવી શુભકામનાઓ અમે વ્યક્ત કરી રહ્યા છીએ અને એ મંઝિલ જલ્દીમાં જલ્દી આવે એની પ્રતિક્ષા અમે કરી રહ્યા છીએ. મંદિરની અંદર જે લોકો વાત કરી રહ્યા છે, તે સતત અહીંના યુવાનોના સંપર્કમાં છે અને અહીંયાથી જે માર્ગદર્શન અપાયુ છે, તે મુજબ જ વાત ચાલી રહી છે. બની શકે કે કોઈ એનો એવો અર્થ લઈ લે કે બધુ પતી ગયું પરંતુ, હજુ આ શરૂ નથી થયું. આ તો જે પૂર્વ સ્થિતિ હતી તે હવે થશે. ગુનેગારોને સજા થવી જોઈએ. અમે રિઝલ્ટની પ્રતિક્ષા કરી રહ્યા છીએ. પરિણામ નહીં આવે ત્યાં સુધી વિરોધ યાથવત્ રહેશે. અમે સંપૂર્ણ રિઝલ્ટ મેળવીને જ કલેક્ટર કચેરીથી જઈશું. અન્ય જૈન 93 વર્ષીય આચાર્ય કુલચંદ્ર સુરી મહાનરાજ પણ ધરણા પર બેસશે. માત્ર આશ્વાસનથી કામ નહિ ચાલે પરિણામ જોવે તેવી માંગ. સરકાર અને ગૃહમંત્રી બંને સારા પ્રયત્નો કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article