ગુજરાતમાં વેકેશનનો સમય હોવાથી લોકો નજીકના કુદરતી સ્થળોએ ફરવા જવાનું વધારે પસંદ કરતાં હોય છે. દરિયામાં કે નદીમાં ન્હાવા માટે લોકો વધારે ઉત્સુક હોય છે. છેલ્લા એક મહિનામાં રાજ્યમાં ડૂબી જવાની ઘટનાઓ પણ વધી રહી છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. વડોદરા જિલ્લામાં એક મહિનામાં ૨૦ લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. જિલ્લામાં કલેક્ટર દ્વારા જોખમી સ્થળો શોધીને ત્યાં ન્હાવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.જિલ્લા કલેક્ટર દ્વારા વડોદરાના વિવિધ ૨૩ સ્થળો પર ન્હાવા પર પ્રતિબંધ મૂક્યો છે.
વડોદરાના કલેક્ટર બીજલ શાહે જોખમી સ્થળો શોધી ત્યાં ન્હાવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. વિવિધ ૨૩ સ્થળો પર નહાવા પર પ્રતિબંધ લગાવાયો છે. વાઘોડિયા, ડભોઇ, વડોદરા ગ્રામ્ય, પાદરા, શિનોર, સાવલી અને કરજણના જાહેર સ્થળો જોખમી હોવાથી પ્રતિબંધ મૂકાયો છે. વાઘોડીયા તાલુકામાં નર્મદા મેઈન કેનાલ (ડુમા ગામ), દેવ નદી (વ્યારા), હનુમાનપુરા ગામનું તળાવ, કોટંબી તળાવ અને તરસવા ગામ બસ સ્ટેશન પાછળ આવેલા નાળાને જોખમી સ્થળ જાહેર કરવામાં આવ્યા છે.
સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તા. ૭ જૂન ૨૦૨૪થી ૩૧ જુલાઈ ૨૦૨૪ સુધી અમલમાં રહે તેવું એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં લખ્યું છે કે રાજ્યમાં જુદી જુદી જગ્યાએ નદી, તળાવો, નહેર, દરિયામાં ન્હાવા પડેલા વ્યક્તિઓના ડૂબી જવાથી મરણ પામવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. જેથી આવી જગ્યાઓ પર અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ કમિશનરની હદમાં આવેલા તળાવ, નહેર, નદી, દરિયા કાંઠા પર ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
શ્રી રામનગર તળાવ, ગુ.હા. બોર્ડ, સચીન, પારડી બસ સ્ટેન્ડની પાછળના ભાગે આવેલું તળાવ, સાઉથ ઝોન ઓફિસની પાછળના ભાગે આવેલું તળાવ, ખરવાસા ગામનું તળાવ, બોણંદ ગામનું તળાવ, વક્તાણા ગામનું તળાવ, પોપડા ગામનું તળાવ, લાજપોર ગામની મિંઢોળા નદી, પુણામાં આવેલી રંગ અવધૂત સોસાયટી પાસેથી પસાર થતી નહેર, પુણા ગામનું તળાવ, અમરોલી-ઉત્રાણમાં કાકરાપાર ડેમ જમણા કાંઠાની નહેર, ઈચ્છાપોર ગામનું તળાવ, ભટલાઈ ગામનું તળાવ, જુના કવાસ ગામનું તળાવ, ભાટપોર ગામનું તળાવ, કુંકણી નહેરથી ગોળા ગરનાળા વરીયાવ સુધીનો નહેરનો ભાગ, ડીંડોલી ગામનું છટ તળાવ, કરાડવા ગામનું તળાવ, સણી ગામનું તળાવ, દેલાડવા ગામનું તળાવ, ડીંડોલીની મધુરમ સર્કલની કેનાલ, સલાબતપુરાનું ગોપી તળાવ, હજીરાનું મોરા તળાવ, રાંદેરમાં દાંડી રોડથી ગોગા ચોક સુધી તથા ગૌરવપથ સુધીની કેનાલ, બોટનિકલ ગાર્ડનનું તળાવ, સરથાણાની શાયોના પ્લાઝાથી અમર ચોક સુધીની નહેર, પાસોદરા ગામમાં આવેલું તળાવ, ડુમ્મસનો દરિયા કિનારો, ડુમ્મસના કાદી ફળિયામાં આવેલું તળાવ, ડુમ્મસના ભીમપોર ગામનું તળાવ, ડુમ્મસના આભવા ગામનું તળાવ, ડુમ્મસના ગવિયર ગામનું તળાવ તથા હજીરામાં આવેલા સુવાલી બીચનો દરિયા કિનારો ઉપરાંત સરથાણાથી ડુમ્મસ સુધી વહેતી તાપીના બંને કાંઠા તરફના વિસ્તારમાં એટલે કે તાપી નદીમાં ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પ્રતિબંધ મુકવા સાથે પોલીસ કમિશનરને જાહેરનામા મારફત ચીમકી ઉચ્ચારી છે કે હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની કલમ ૧૮૮ હેઠળ કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો :-