આખો દેશ લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો પર નજર રાખી રહ્યો હતો, તે દરમિયાન ચોથી જૂનના રોજ NTAએ નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ (NEET) UG ૨૦૨૪નું પરિણામ જાહેર કરી દીધું હતું. NEET ૨૦૨૪ UG પરિણામ ૧૪ જૂને જાહેર થવાનું હતું પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ અચાનક ૪ જૂનની સાંજે કોઈપણ પૂર્વ સૂચના વિના પરિણામ જાહેર કરી દીધું હતું. NEETના વિદ્યાર્થીઓ NTAની વેબસાઇટ exams.nta.ac.in/NEET પર NEET પરિણામ ૨૦૨૪ PDF જોઈ શકે છે. જોકે, પરિણામની PDF પ્રકાશિત થયા બાદ વિદ્યાર્થીઓ અને NEET એક્સપર્ટ્સમાં રોષ જોવા મળી રહ્યો છે.

NEET પરિણામ જાહેર થયા બાદ જ આ પરીક્ષા અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરિણામોને શંકાના દાયરામાં રાખીને લોકો તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. ટ્વીટ અનુસાર, લોકો કહી રહ્યા છે કે આટલી અઘરી પરીક્ષામાં ૬૭ વિદ્યાર્થીઓ સંપૂર્ણ માર્ક્સ કેવી રીતે મેળવી શકે, જ્યારે આવું પહેલા ક્યારેય બન્યું નથી. આ ઉપરાંત, હરિયાણાના એક જ કેન્દ્રમાંથી ૮ ઉમેદવારો એવા છે જેમણે ૭૨૦ માંથી ૭૨૦ માર્ક્સ મેળવ્યા છે. મુખ્ય કારણ એ પણ છે કે પરીક્ષા દરમિયાન પટનામાં નકલી ઉમેદવારોની ધરપકડ બાદ પેપર લીક થવાની વાત રજૂ કરાઇ હતી પરંતુ તેમ છતાં પરીક્ષા લેવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, આ મામલો સામે આવતા NTA દ્વારા એક નોટિસ જાહેર કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે, કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષામાં ટાઇમ લોસની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, આથી તેમને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે. આ કારણે ૭૧૮ અને ૭૧૯ નંબર પણ હોઈ શકે છે.
આ પણ વાંચો :-