રાજ્યના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે સવારે વલસાડ અને નવસારીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલના અનુમાન મુજબ આવતી કાલથી દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. આવતી કાલે એટલે ગુરૂવાર ૬ જૂનથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આ પ્રી મોન્સૂનનો વરસાદ છે. સાથે જ રાજ્યમાં ૧૫ જૂને ચોમાસાની દસ્તકની સામાન્ય તરીખ છે, તેના સંદર્ભે પણ આ વરસાદ છે. જ્યારે આજે રાજ્યમાં વલસાડ, નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી, દમણ, દાહોદ, છોટાઉદેપુરમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં ઉનાળો અંતિમ તબક્કામાં છે. જોકે હજી પણ ગરમી ૪૦ ડિગ્રી ઉપર નોંધાઈ રહી છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે મંગળવારે ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૩૩.૪ ડિગ્રી નોંધાયું હતું. ૪૨ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ગાંધીનગર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગર ૪૧.૮ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે બીજા નંબરે રહ્યા હતાં. ડિસામાં ૪૦.૭ ડિગ્રી, વડોદરામાં ૪૦ ડિગ્રી, રાજકોટમાં ૪૦.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો :-