ગુજરાત ATSને સૌથી મોટી સફળતા મળી છે. આજે અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદી ઝડપાયા છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા આતંકવાદીઓ શ્રીલંકાના હોવાની શંકા છે. અમદાવાદમાં IPLની મેચો પણ રમાવાની છે અને ક્રિકેટ ટીમો અમદાવાદ એરપોર્ટ પહોંચવાની છે. તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદ એરપોર્ટ પરથી જેમને પકડવામાં આવ્યા તેઓ કોઈ સ્લીપર સેલ ચલાવે છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. ખાસ કરીને ગુજરાત જેવા સરહદી વિસ્તારમાં તેમની એક્ટિવિટિ ચિંતાજનક ગણાય છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગની ઘટનાઓ વારંવાર બનતી હોય છે પરંતુ ISIS સાથે સંકળાયેલા લોકો એરપોર્ટ પરથી ગુજરાતમાં ઘૂસવાનો પ્રયાસ કરે તેવું પહેલી વખત બન્યું છે. આ વિશે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા વધુ માહિતી આપવામાં આવે તેની રાહ જોવાય છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી સેન્ટ્રલ એજન્સી દ્વારા ગોલ્ડ સ્મગલિંગ અને અન્ય વસ્તુઓ પર નજર રાખવામાં આવી રહી હતી, તે સમયે એક સેન્ટ્રલ એજન્સીએ ગુજરાત એટીએસ સાથે મળીને કેટલાક ઇનપુટ શેર કર્યા હતા. ત્યારબાદ ગુજરાત ATSની ટીમ અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચમાં હતી તે સમયે એક શકમંદ તેમના રડારમાં આવ્યો હતો અને તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ જે વ્યક્તિની અટકાયત કરાઇ હતી તેમની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે શ્રીલંકાનો રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી ISIS સંગઠન સાથે જોડાયેલો છે. હવે ગુજરાત એટીએસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ આતંકવાદી ગુજરાત શા માટે આવ્યો હતો તેની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો :-