આંધ્રપ્રદેશમાં આજે શનિવારે ફરી એકવાર મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી છે. અગાઉ શુક્રવારે પણ NTR જિલ્લામાં રૂ. ૮ કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા. તાજેતરનો મામલો રાજ્યના પૂર્વ ગોદાવરી જિલ્લાનો છે જ્યાં શનિવારે થેલામાં ભરીને સાત કરોડ રોકડા લઈ જવામાં આવી રહ્યા હતા. તે સમયે જ નલ્લાજર્લા મંડલના અનંતપલ્લી ખાતે એક ટ્રક સાથેની ટક્કરમાં ટેમ્પો પલટી ખાઈ ગયો અને અહીંથી પોલ ખુલી ગઈ.
આ દૃશ્ય જોતાં જ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ નોટોના બંડલો જોઈને જ તેમના હોંશ ઊડી ગયા હતા. લોકોએ કહ્યું કે ટેમ્પોમાં ૭ થેલા ભરીને રોકડ ભરેલી હતી. પોલીસને જાણ કરાઈ અને રકમને જપ્ત કરવામાં આવી. આ ટેમ્પો વિજયવાડાથી વિશાખાપટ્ટનમ જઇ રહ્યો હોવાની માહિતી છે. અકસ્માતનો ભોગ બનેલા ટેમ્પો ડ્રાઈવરને ઈજા થઇ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, NTR જિલ્લામાં ગરિકાપાડુ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન નોટોનો જથ્થો પકડવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાઈપોથી ભરેલી ટ્રકમાં પૈસા એક અલગ કેબિનની અંદર રાખવામાં આવ્યા હતા. જગગૈયાપેટ સર્કલ ઈન્સ્પેક્ટર ચંદ્ર શેખરે ઘટનાની પુષ્ટિ કરી છે. આ પૈસા હૈદરાબાદથી ગુંટુર લઈ જવામાં આવી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેઓ આ રકમ જિલ્લા તપાસ ટીમોને સોંપશે અને ચૂંટણી પંચના અધિકારીઓ અને ફ્લાઈંગ સ્કવોડ ટીમ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો :-