Sunday, Sep 14, 2025

સુરતમાં ૮ કરોડની લૂંટ કેસમાં મોટો ખુલાસો, આ રીતે ગુમાવ્યા રૂપિયા!

3 Min Read

સુરત પોલીસે શહેરમાં થયેલી ૮ કરોડ રૂપિયાની લૂંટના કેસમાં ગજબનો ભેદ ઉકેલ્યો છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે કરેલી તપાસમાં જે શખ્સ દ્વારા કરોડો લૂંટાયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેણે જ તરકટ રચ્યાની વિગતો સામે આવી છે. શેરબજારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના લીધે કર્મચારીએ લૂંટનું તરકટ રચ્યું હતું. ખરેખર તો બેગમાં રૂપિયા નહીં માત્ર કાગળીયા જ હતાં.

આ કેસમાં પંદર દિવસ પહેલાં તા. ૨૭મી ફેબ્રુઆરીએ બપોરના સુમારે કતારગામ ખાતે સેઈફ ડિપોઝીટ વોલ્ટમાંથી સહજાનંદ ટેક્નોલોજી પ્રા.લિ. કંપનીનો કર્મચારી ૮ કરોડ રૂપિયા ઉપાડી મહિધરપુરા સેઈફ ડિપોઝીટ વોલ્ટમાં મુકવા માટે જઈ રહ્યો હતો. દરમિયાન રસ્તામાં અજાણ્યા ઈસમે પોતે આવકવેરાનો અધિકારી હોવાની ઓળખ આપી ગાડી અટકાવી હતી અને બંદૂકની અણીએ ગાડીમાં સવાર થઈ ગયો હતો.

દરમિયાન સીસીટીવી અને બાતમીદારોની બાતમીના આધારે પોલીસે રોહિત વિનુ ઠુમ્મરને પકડ્યો હતો. રોહિતની ઉલટ તપાસ કરાઈ હતી. રોહિતે પોલીસને કહ્યું હતું કે, કંપનીમાં કામ કરતા કલ્પેશ પોપટ કસવાળા અને નરેન્દ્ર દૂધાતે જ લૂંટ કરવા માટે રોહિતનો સંપર્ક કર્યો હતો. આ કામ માટે તેને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસને શરૂઆતથી જ ફરિયાદી નરેન્દ્ર દૂધાત પર શંકા હતા. રોહિતના સ્ટેટમેન્ટ બાદ નરેન્દ્ર ભાંગી પડ્યો હતો અને હકીકત જણાવી દીધી હતી. નરેન્દ્રએ પોલીસને કહ્યું કે, શેરબજારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના લીધે લૂંટનું નાટક રચ્યું હતું.

નરેન્દ્ર દૂધાતે લૂંટનું તરકટ કેમ રચવું પડ્યું તેની પાછળ પણ એક સ્ટોરી છે. નરેન્દ્ર દુધાત સહજાનંદ કંપનીમાં છેલ્લા ૨૨ વર્ષથી નોકરી કરતો હતો અને ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં તેની ૫ વર્ષ પહેલાં બદલી થઈ હતી. કંપનીના તમામ નાણાંકીય લેવડ – દેવડ અને ઉઘરાણીનો હિસાબ નરેન્દ્ર જ સાચવતો હતો. તેથી તેની પાસે હંમેશા મોટી રકમ રહેતી હતી. કંપનીના રૂપિયાથી કરોડપતિ થવાના ચક્કરમાં નરેન્દ્ર દૂધાતે પરિચિતોના ડિમેટ એકાઉન્ટની મદદથી શેરબજારમાં રોકાણ શરૂ કર્યું હતું. તેમાં તેણે ૫ કરોડનું નુકસાન કર્યું હતું.

અલબત્ત, પોલીસ તપાસને અંતે ઝડપાયેલા નરેન્દ્ર દુધાત પોપટની જેમ પોતાના કાળા કરતુત બોલવા લાગ્યો હતો. કંપનીમાંથી કરોડો રૂપિયાની હેરાફેરી બાદ હાલમાં તેના હસ્તક અલગ અલગ ડીમેટ એકાઉન્ટમાં અઢી કરોડ રૂપિયા જેટલી રકમ જમા હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે પોલીસ દ્વારા આ રકમની રિકવરી માટેની તજવીજ હાથ ધરી છે.

Share This Article