ગુજરાતના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના ખેડૂત પરિવારનો પુત્ર મિત પટેલ બે મહિના પહેલાં જ સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન અભ્યાસ માટે ગયો હતો. છેલ્લા પાંચ દિવસથી તે પોતાના પરિવારજનોના સંપર્કમાં નહોતો. મિત પટેલનો પરિવાર ચિંતામાં હતો પણ ૨૧ નવેમ્બર ૨૦૨૩ના દિવસે મિતનો મૃતદેહ મળ્યો હોવાના સમાચાર પરિવારજનોને મળ્યા હતા અને તેઓની ચિંતા શોકમાં ફેરવાઈ ગઈ હતી. હાલ તો માતાપિતા પુત્રનો મૃતદેહ લંડનથી ગુજરાત લાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.
પાટણ લોકસભા બેઠકના સાંસદ ભરતસિંહ ડાભીએ વિદેશ મંત્રી જયશંકરને પત્ર લખી મિતનો મૃતદેહ વતન પરત લાવવા માટે મદદ કરવા માટે અનુરોધ કર્યો છે. મિતના પિતા પ્રવીણભાઈ જોઈતારામ પટેલ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામમાં રહે છે અને ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે તા.૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ સ્ટુડન્ટ વિઝા ઉપર મિતને અભ્યાસ માટે લંડન મોકલ્યો હતો.







