સુરત શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભિ ડેરીમાંથી ફરી એક વખત શંકાસ્પદ નકલી પનીરનો મોટો જથ્થો મળી આવ્યો છે. શહેરની SOG ટીમ અને મહાનગરપાલિકાના આરોગ્ય તથા ફૂડ વિભાગે સંયુક્ત રીતે આ સ્થળે છાપો મારી કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ડેરીમાંથી કુલ 955 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. 1.81 લાખ જેટલી હોવાનું અનુમાન છે. અધિકારીઓએ આ તમામ પનીરનો જથ્થો તાત્કાલિક રીતે જપ્ત કરી લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, આ ડેરી ખટોદરા સોમકામજીની વાડી વિસ્તારમાં આવેલ છે અને તેનો માલિક કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. ટીમ દ્વારા સ્થળ પરથી વિવિધ પ્રકારના પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલને હવે વિગતવાર તપાસ માટે ફૂડ લેબમાં મોકલવામાં આવ્યા છે.
આ ઘટના બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં અન્ય ડેરીઓ અને ખાદ્ય પદાર્થ ઉત્પાદકો પર પણ તપાસનો ધસારો શરૂ કરી દીધો છે. અધિકારીઓનું કહેવું છે કે જો લેબ રિપોર્ટમાં પનીર નકલી અથવા અયોગ્ય ગુણવત્તાનું સાબિત થશે, તો ડેરી માલિક વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.