રાજ્યના વિવિધ એરપોર્ટ્સ પર ફ્લાઇટ રદ થવાની પરિસ્થિતિ સતત ગંભીર બની રહી છે, જેમાં આજે અમદાવાદ એરપોર્ટ પર કુલ 86 ફ્લાઇટ રદ થઈ છે, જેમાં અમદાવાદ આવતી 50 અને અહીંથી પ્રસ્થાન કરતી 36 ફ્લાઇટનો સમાવેશ થાય છે. અચાનક થયેલી ફ્લાઇટ કેન્સલેશનથી એરપોર્ટ પર પહોંચેલા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે અને યોગ્ય માહિતી ન મળતાં મુસાફરોમાં આક્ષેપો પણ ઉઠ્યા છે.
સુરત એરપોર્ટ પર સતત ત્રીજા દિવસે અનેક ફ્લાઇટ રદ થઈ છે, જેમાં બેંગલુરુ-સુરત, સુરત-ગોવા અને સુરત-પુણેની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. વડોદરા એરપોર્ટ પર પણ સ્થિતિ ગંભીર છે, જ્યાં દિલ્હી, મુંબઈ, પુણે અને હૈદરાબાદ જતી અનેક ફ્લાઇટ રદ થવાનો ક્રમ ચાલુ છે અને છેલ્લા 10 દિવસમાં લગભગ 17 જેટલી ફ્લાઈટ કેન્સલ થઈ છે. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સ્થિતિ પણ ભિન્ન નથી, ત્યાં ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા ઓપરેટ થતી 8 ફ્લાઇટ રદ થતાં મુસાફરોને ભારે અવરજવરનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટ ખાતે ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં મુસાફરો ભારે પરેશાન થયા છે, ત્યારે બીજી તરફ અન્ય એરલાઈન્સે ભાડામાં ધરખમ વધારો કરી બેવડો માર માર્યો છે. રાજકોટથી મુંબઈ અને દિલ્હી જતી ફ્લાઇટ્સ, જેનું ભાડું સામાન્ય રીતે 4થી 5 હજાર રૂપિયા હતું, તેમાં હવે નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં રાજકોટ-મુંબઈ રૂટનું ભાડું 15 હજાર રૂપિયાથી વધુ થઈ ગયું છે, જ્યારે રાજકોટ–દિલ્લીનું ભાડું સીધું 37 હજાર સુધી પહોંચી ગયું છે. ફ્લાઇટ કેન્સલેશન અને વધેલા ભાડા વચ્ચે રાજકોટ એરપોર્ટ પર 1 હજારથી વધુ મુસાફરો રઝળી પડ્યા છે અને તેમની મુસાફરીની યોજનાઓ અસરગ્રસ્ત બની છે.
ક્યાં શહેરથી કેટલી ફ્લાઈટ્સ રદ?
અહેવાલ મુજબ, ગુરુવારે મુંબઈ એરપોર્ટ પર 118, બેંગ્લોરમથી 100, હૈદરાબાદથી 75, કોલકાતાથી 35, ચેન્નઈથી 26 અને ગોવામાં 11 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. દેશના અન્ય એરપોર્ટ પરથી પણ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
ઓનટાઈમ પરફોર્મન્સ ખાડે ગયું:
સામાન્ય રીતે ઇન્ડિગો દરરોજ લગભગ 2,300થી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે, એરલાઈન તેની ફ્લાઈટ્સની પંકચ્યુઆલીટી જાળવવા માટે જાણીતી છે. પરંતુ હાલમાં ઉભી થયેલી સમસ્યાઓને કારણે બુધવારે ઓનટાઈમ પરફોર્મન્સ ઘટીને માત્ર 19.7 ટકા થઇ ગયું હતું, જે મંગળવારે નોંધાયેલા 35 ટકા હતું. ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે સ્ટાફને એક નિવેદનમાં જણાવ્યું કે ઓપરેશન સામાન્ય બનાવવું અને અને પંકચ્યુઆલીટી ફરી પહેલા જેવી કરવી એ સરળ નહીં રહે.
શું છે સમસ્યાનું કારણ?
સિવિલ એવિએશન મીનીસ્ટ્રી અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)ના અધિકારીઓ ગઈકાલે ઇન્ડિગોના વરિષ્ઠ પદાધિકારીઓને મળ્યા હતા, જેથી સમસ્યાઓનો ઉકેલ શોધી શકાય.
ઇન્ડિગોએ કારણો જણાવતા કહ્યું કે તેઓ નવા ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા (FDTL) નિયમોના બીજા તબક્કા 2 ને યોગ્ય રેતે લાગુ કરી શક્યા નહીં, એ માટે ક્રૂની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહ્યા. શિયાળાના હવામાનને કારણે પણ ફ્લાઈટ ઓપરેશન પર પહેલાથી અસર પડી રહી હતી.