Monday, Dec 8, 2025

ગોવા શિરગાંવમાં શ્રી લેરાઈ જાત્રા દરમિયાન ભાગદોડ, 7 લોકોના મોત, 50થી વધુ ઘાયલ

2 Min Read

ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લૈરાઈ ‘જાત્રા દરમિયાન એક દુ:ખદ ઘટના બની. જેમાં ભાગદોડને કારણે 7 લોકોના મોત થયા અને 50થી વધુ લોકો ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક ગોવા મેડિકલ કોલેજ (GMC) અને માપુસા સ્થિત ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અકસ્માત ત્યારે થયો જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરંપરાગત ‘જાત્રા’માં ભાગ લેવા માટે એકઠા થયા હતા.

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આઠ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 50 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. આરોગ્ય વિભાગે પરિસ્થિતિને સંભાળવા માટે તાત્કાલિક અને વ્યાપક પગલાં લીધાં છે. માહિતી મળતાની સાથે જ 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ઘટનાસ્થળે જવા સૂચના આપવામાં આવી હતી.

લૈરાઈ જાત્રા શું છે

લૈરાઈ દેવી એક આદરણીય હિન્દુ દેવી છે, જેની પૂજા મુખ્યત્વે ગોવામાં થાય છે, ખાસ કરીને દક્ષિણ ગોવાના શિરોડા ગામમાં. લૈરાઈ દેવીને સમર્પિત મંદિર સ્થાનિક લોકો અને નજીકના વિસ્તારોના ભક્તો માટે એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક કેન્દ્ર છે.

લૈરાઈ દેવી ‘જાત્રા’, જેને શિરગાંવ ‘જાત્રા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગોવાનો એક મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે, જે દર વર્ષે બિચોલીમ તાલુકાના શિરગાંવ ગામમાં લૈરાઈ દેવીના માનમાં ઉજવવામાં આવે છે. આ જાત્રા હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનામાં (માર્ચ-એપ્રિલ) થાય છે અને ઘણા દિવસો સુધી ચાલે છે. આ તહેવારની સૌથી મુખ્ય વિશેષતા અગ્નિમાં ચાલવાની પરંપરા છે, જેમાં “ધોંડ” તરીકે ઓળખાતા ભક્તો સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલે છે. આ ધાર્મિક વિધિ તેમની શ્રદ્ધા અને આધ્યાત્મિક શુદ્ધતાનું પ્રતીક છે.

આ અગ્નિવ્રત પહેલાં, ભક્તો ઉપવાસ કરે છે, પ્રાર્થના કરે છે અને માનસિક તૈયારી કરે છે, જે તેમના સમર્પણ અને સાધના દર્શાવે છે. આ તહેવાર દરમિયાન, દેવીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં મંત્રજાપ, ઢોલ અને પ્રસાદ જેવી પરંપરાઓ કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિમાં ભાગ લેવા અને દેવીના આશીર્વાદ મેળવવા માટે હજારો ભક્તો અને પ્રવાસીઓ આવે છે. શિરગાંવ ‘જાત્રા’ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી પણ ગોવાના અનોખા સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતો એક ભવ્ય કાર્યક્રમ પણ છે.

Share This Article