બિહાર સરકાર દ્વારા અનામતનો દાયરો વધારવાના નિર્ણયને પટણા હાઈકોર્ટે રદ કરી દીધો છે. આ ચુકાદા સાથે જ બિહારની નીતિશ કુમારની સરકારને લોકસભા ચૂંટણી બાદ આ પહેલો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે બિહારનો એ કાયદો રદ કરી દીધો જેમાં પછાત વર્ગો, અતિ પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ૫૦ ટકા અનામતનો દાયરો આગળ વધારીને ૬૫ ટકા કરાયો હતો. પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે.વિનોદ ચંદ્રન અને જસ્ટિસ હરીશ કુમારની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો.
નીતિશ કુમારની જૂની કેબિનેટે બિહારમાં જાતિ આધારિત સર્વેક્ષણના રિપોર્ટના આધાર પર ૭ નવેમ્બરે કોટા વધારવાના નિર્ણયને લઇને વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું. આ બિલ દ્વારા ઓબીસી અનામત ૧૨ ટકાથી વધારને ૧૮ ટકા, ઇબીસીનો કોટા ૧૮ ટકાથી વધારીને ૨૫ ટકા, એસસીનું અનામત ૧૬ ટકાથી વધારીને ૨૦ ટકા અને એસટીનું અનામત ૧ ટકાથી વધારીને ૨ ટકા કરવાનો પ્રસ્તાવ હતો. વિધાનસભામાં આ બિલ ૯ નવેમ્બરે પાસ થઇ ગયુ હતું. ૨૧ નવેમ્બરે રાજ્યપાલની મંજૂરી બાદ આ બિલે કાયદાનું રૂપ લઇ લીધુ હતુ અને આ આખા રાજ્યમાં લાગુ થયું હતું.
આ કાયદાને અનામત વિરોધી સંગઠન યૂથ ફોર ઇક્વેલિટીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત ૫૦ ટકાથી વધુ ના આપવાના નિર્ણયને આધાર બનાવીને બિહાર અનામત કાયદાને ચેલેન્જ કરવામાં આવ્યું હતું.પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વિનોદ ચંદ્રન અને જસ્ટિસ હરીશ કુમારની બેન્ચે બિહારના નવા અનામત કાયદાને બંધારણની કલમ ૧૪,૧૫ અને ૧૬નું ઉલ્લંઘન ગણાવતા તેને રદ કરી દીધુ છે. માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર હાઇકોર્ટના નિર્ણયને હાઇકોર્ટની મોટી બેન્ચ અથવા સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
આ પણ વાંચો :-